માથાભારે શખ્સો દ્વારા ઘર ખાલી કરવાની અને ભડાકા કરશું જેવી ધમકીના ડરથી યુવકની પત્નીએ ફિનાઈલ ગટગટાવી
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જઈ રહી હોવાનો માથાભારે તત્વો દ્વારા ગેરલાભ ઉઠાવી શહેરમાં રીતસરનો આતંક મચાવતા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલસન પેપરમીલ સામે રહેતા યુવક ઉપર કરિયાણાની દુકાનમાં નામાનાં બાકી રૂપિયા બાબતે દુકાનદાર સહીત પાંચ શખ્સો દ્વારા યુવકના ઘરે જઈ ઘર ઉપર છુટા પથ્થરના ઘા કરી યુવકને જેમફાવે તેમ ગાળો ભાંડી જાતિ પ્રત્યે અપમાનિત કરી લાકડીઓ વતી માર માર્યો હતો અને ઘર ખાલી કરવાની ધમકીઓ આપી હતી. જે ધમકીઓથી ડરી ગયેલ ભોગ બનનાર યુવકના પત્નીએ ફિનાઈલ ગટગટાવી લેતા તે સારવારમાં હોય. ત્યારે સમગ્ર બનાવ બાબતે યુવક દ્વારા સીટી એ ડિવિઝનમાં પાંચેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિલસન પેપરમીલની સામે રહેતા મયુરભાઈ ઉર્ફે રવિ શીવાભાઈ રાઠોડ ઉવ.૨૨ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ધમાભાઈ દુકાનવાળા, નિલેશ ગઢવી, નાગજીભાઈ દેગામા, રવિભાઈ દેગામા તથા મીથુનભાઈ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે વિલસન પેપરમીલ પાસે આવેલ કિરાના સ્ટોરની દુકાનવાળા ધમાભાઈએ મયુરભાઈ પાસે કરિયાણાના બાકી રૂપિયા માંગતા જે હાલ રૂપિયાની મયુરભાઈ પાસે સગવડતા ન હોય જેથી ના પાડતા આરોપી ધમાભાઈ અને ત્યાં દુકાને અન્ય હાજર આરોપી નિલેશ ગઢવીએ મયૂરભાઈને જતી પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી ઘર ખાલી કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગત તા.૧૦ માર્ચના રોજ રાત્રીના ઉપરોક્ત પાંચેય આરોપીઓ મયૂરભાઈના ઘરે લાકડીઓ સાથે ધસી આવી ઘર ઉપર છુટા પથ્થરના ઘા કરી ઘરમાં નુકસાન કર્યું હતું અને મયૂરભાઈને લાકડી વડે માર મારી ઘર ખાલી કરવાની ધમકીઓ આપી હતી જેથી બનેલ સમગ્ર બનાવથી ડરી જઈ મયૂરભાઈના પત્ની જ્યોતિબેને ફિનાઈલ જેવી ઝેરી દવા પી લેતા તેને સારવારમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જે મુજબની પીડિત યુવક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ માર મારવા, ધાક ધમકી તથા એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.