મોરબી જિલ્લાના યુવાધનને જાણે નશાના રવાડે ચડાવવાનું આં નશાનો કારોબાર કરતા તત્વોએ જાણે નક્કી કરી લીધું હોય તેમ અલગ અલગ પ્રકારના નશા યુક્ત પ્રવાહીના વેચાણ થઈ રહ્યા છે. જે અંગેની કાર્યવાહી દરમિયાન મોરબી પોલીસની ટીમને મળેલ માહિતીને આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બિહારમાં માલગાડીમાં દરોડો પાડ્યો હતો. જેમાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને આશરે બે કરોડની કિંમતના કોડીન આધારિત કફ સિરપના ૪૫૦ કાર્ટન મળી આવતા ખળભળાટ મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બુધવારે બિહારના બછવારા રેલ્વે સ્ટેશન પર એક માલસામાન ટ્રેન પર દરોડો પાડ્યો અને આશરે બે કરોડ રૂપિયાની કિંમતના કોડીન આધારિત કફ સિરપના ૪૫૦ કાર્ટૂન જપ્ત કર્યા હતા. આ કન્સાઈનમેન્ટ ગુજરાતમાંથી ત્રિપુરા લઈ જવામાં આવી રહ્યું હતું, કદાચ તેને બાંગ્લાદેશ તરફ વાળવામાં આવશે જ્યાં તેનો દુરુપયોગના પદાર્થ તરીકે વ્યાપકપણે ઉપયોગ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી પોલીસની માહિતીને આધારે પટના બછવાડા જંક્શન પર એનસીબી દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસની માહિતીને આધારે ઝારખંડમાંથી પણ ૫૬ લાખની કફ સીરપ જપ્ત કરવામાં આવી હતી. મોરબીમાં ઝડપાયેલ ૧.૮૪ કરોડની કફ શિરપની ૯૦ હજાર બોટલ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. જે તપાસમાં આ દેશવ્યાપી દૂષણ હોવાનુ સામે આવ્યું છે અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસની માહિતીને આધારે અત્યાર સુધીમાં બે રાજ્યોમાંથી કોડિન કફ સીરપનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.