મોરબી એસઓજી ટીમે હથિયારના પરવાનેદાર સહીત બંનેને દબોચ્યા
વાંકાનેર: આજકાલ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અલગ અલગ રીલ્સ અને અણછાજતા ફોટા તથા હથિયાર સાથેના ફોટા પડાવી અપલોડ કરી લાઈક અને ફોલોઅર્સ વધારવાની ઘેલછામાં લોકો કોમ્યુનિટી ગાઈડલાઈન્સનો ભંગ કરતા હોય છે, જેમાં ખાસ કરીને યુવાવર્ગ કે જેઓ પોતાની યુવાનીના જોશમાં સમાજમાં ભય ઉભો થાય તથા વટ ઉભો કરવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરપયોગ કરતા હોય છે. ત્યારે આવો જ એક વાંકાનેરનો યુવક પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પાસ પરમીટ વગર હથિયાર સાથે ફોટો અપલોડ કરતા જે બાબતે મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો છે સાથે સાથે હથિયારનો પરવાનો ધરાવતા સિક્યુરિટી ગનમેનની અટક કરવામાં આવી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી એસઓજી પોલીસ ટીમે આરોપી સામાભાઇ ઉર્ફે રોકુ ધીરૂભાઇ કાઠીયા ઉવ.૨૨ રહે.વાંકાનેર ભરવાડપરા તથા ઉદયસિંહ વિરમજી ઝાલા ઉવ.૫૦ રહે.ઘીયાવડ તા.વાંકાનેર જી.મોરબી સામે આર્મ્સ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ફરિયાદ નોંધાવી હતી કે આરોપી સામાભાઈએ પોતાની પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના ઇસ્ટાગ્રામ યુઝર આઇ.ડી.એકાઉન્ટમાં ફોટો પોસ્ટ કરી, તેમજ આરોપી ઉદયસિંહ એ પોતાનું લાયસન્સવાળુ હથીયાર આરોપી સામાભાઈ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી, લાયસન્સ ધારકની શરત ભંગ કરી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી.