દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. વર્તમાન સમયમાં ચકલીઓ લુપ્ત થવાના આરે પહોંચી ચૂકી છે. ચકલીઓ હવે શહેરમાં તો ભાગ્યે જ જોવા મળે છે. ગામડાઓમાં પણ હવે ચકલીઓની ઓછી ઘણી ઘટી રહી છે. ચકલીઓ બચે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારાની ભૂત કોટડા પ્રા.શાળામાં સ્પેરો હાઈટ્સ તૈયાર કરાયું છે.
20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. ગુજરાતી કવિ અને ગીતકાર રમેશ પારેખે ચકલી વિશે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા કહ્યું છે કે, તારો વૈભવ રંગ મહેલ ને નોકર ચાકરનું ધાડું, મારે આંગણ ચકલી આવે તે જ મારું રજવાડું. તે સંદર્ભે ભૂત કોટડા પ્રા.શાળામાં 5 માળનું અનોખું ચકલી હાઉસ બનાવવામાં આવ્યું છે. થોડા વર્ષો પહેલા જ ઘરમાં ચકલીની ચી ચી. સુમધુર સંગીત રેલાવતી હતી. પરંતુ કોન્ક્રીટના જંગલમાં શહેરોની સાથે હવે ગામડા પણ ચકલીઓ ધીરેધીરે ગૂમ થતી જાય છે. ત્યારે ટંકારા તાલુકાના ભૂત કોટડા પ્રા.શાળાના શિક્ષિકા બહેન ગીતાબેન મનસુખલાલ સંચલાને વિચાર આવ્યો કે આધુનિક યુગમાં માણસો પણ ફ્લેટમાં રહેતા થઈ ગયા છે. તો આ ચકલીઓ પણ એક સાથે રહી શકે, તેમને પોતાના રહેણાંકમાં જ ચણવા માટે ચન, પાણી, રમવા માટે હીંચકા બેસવા માટે ડાળી બધું એક જ જગ્યાએ મળી રહે તો? તેમણે આ વિચાર ટંકારાના વતની અને પક્ષીપ્રેમી જયેશભાઈ મનીપરાને વાત કરી. જયેશભાઈએ માત્ર 2 જ દિવસમાં જ ગીતાબેનના વિચારોને સુસંગત થાય તેવું લાકડાનું સુંદર ઘર બનાવી આપ્યું. જેને ગીતાબેને “સ્પેરો હાઇટ્સ” નામ આપ્યું છે. શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકો દ્વારા આ ઘરની સજાવટ અને રંગરોગાન કરવામાં આવ્યા છે. તેમજ ચકલી માટે ઘરમાં જ ચણવા મટે ચણ, પાણી, રમવા માટે હીંચકા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત બધા બાળકોને ચકલીના માળનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં ઘરમાં પણ ચકલીની ચીચી સાંભળી શકે