સૌજન્ય:ગુજરાત ફર્સ્ટ
ગુજરાત હાઇકોર્ટમાં આજે મોરબી બ્રિજ દુર્ઘટના સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં જરૂરિયાતમંદ પીડિતોનો ડેટા જે મોરબી કલેક્ટરે હાઇકોર્ટના આદેશ ઉપર તૈયાર કર્યો હતો તેને સુધારીને ફરી કોર્ટ સમક્ષ મૂક્યો હતો. જેની ઉપર કોર્ટમાં ચર્ચા થઈ હતી. આ ડેટા મુજબ 74 ઘાયલો, 3 પીડિતો જેઓ 40 ટકાથી વધુ શારીરિક રીતે અક્ષમ બનેલા છે, 4 માનિસક આઘાતમાં સરી પડેલા પીડિતો, ઉપરાંત 10 વિધવા તેમજ આ દુર્ઘટનામાં અનાથ બાળકો માટે શું કરી શકાય તે માટેના આદેશો કોર્ટે ઓરેવા કંપનીને આપ્યા હતા. કોર્ટે ઓરેવા કંપનીને જણાવ્યું હતું કે, પીડિતોને સહાય કરો. MD જેલમાં હોય તો ઉત્પાદન અટકી ન જાય. મોરબીમાંથી તમે પૈસા કમાયા છો તો તેને એડોપ્ટ કરવું જોઈએ. તેમજ કોર્ટે એક યુવતીને મુંબઈમાં ઘર આપવા આદેશ પણ કર્યો હતો.
વર્ષ 2022 માં દિવાળી ટાણે મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં બાળકો-મહિલાઓ સહિત 136 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. આ મામલે મુખ્ય આરોપી તરીકે ઓરેવા કંપનીના MD જયસુખ પટેલનું નામ સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ છેલ્લા 13 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યાં છે. જો કે, સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને નિયમિત જામીન આપતા તેઓ લોકસભા ચૂંટણી ટાણે મુક્ત હશે. બીજી તરફ, આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં અત્યાર સુધી કરાયેલી કામગીરી અને વળતર મામલે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ કર્યું હતું અને 5 લોકોને થયેલી માનસિક અસર અને મળતી સારવાર મામલે કલેક્ટર દ્વારા રિપોર્ટ પણ સોંપાયો હતો. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ઘાયલો અને હજુ સુધી પીડાતા લોકો માટે ભારે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે સરકારને આદેશ આપતા જણાવ્યું કે, રોજિંદા જીવન નિર્વાહ માટે જેમને તકલીફ પડી રહી છે તેમના માટે પણ વિચાર કરવામાં આવે. આ કેસમાં 21 વર્ષીય પીડિત જે સહારાનાં આધારે જ ઊભો રહી શકે છે તેને યોગ્ય સાધનો પૂરા પાડવામાં આવે. ઉપરાંત, લકવાગ્રસ્ત પીડિતો માટે યોગ્ય સહાય અને આ દુર્ઘટનામાં જેણે પોતાના પતિને ગુમાવ્યો છે તેવી મહિલાઓને પણ યોગ્ય વ્યવસ્થા કરી પગભર કરવામાં આવે.
ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જે બાળકો અનાથ થયા છે અથવા માતા કે પિતા ગુમાવ્યા છે તેમના માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને આવા બાળકો માટે ભણવા સહિતની જવાબદારી યોગ્ય રીતે લેવામાં આવે તેવો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, આ ઘટનામાં પીડિતોની જવાબદારી સંભાળવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. આ માનવ સર્જિત દુર્ઘટના હતી અને તેના માટે જ યોગ્ય કામગીરી કરવાની જરૂર છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં બાંહેધરી આપી હતી. એડવોકેટ જનરલે કહ્યું કે, ઓરેવા MD જેલમાં હોવાથી હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. જો કે, કોર્ટે આકરા વલણમાં કહ્યું કે, MD જેલમાં છે તો શું કંપની પણ અનાથ થઈ ગઈ છે? આ કેસમાં કોર્ટે ઓરેવા કંપનીને પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, મોરબી અને મોરબીની જનતાને લીધે જ તમે સફળ ઉદ્યોગપતિ થયા છો. મોરબીવાસીઓને કારણે જ તમે ઘડિયાળથી લઈને અન્ય કાર્યોમાં સફળ થયા છો. આ સાથે કોર્ટે કહ્યું કે, MD જેલમાં છે કે બહાર તેનાથી અમને ફર્ક પડતો નથી. જેમ અન્ય પ્રક્રિયાઓ ચાલે છે તેમ પીડિતોની સહાય અંગે પણ નિર્ણય લેવામાં આવે. કોર્ટે પીડિતોની દેખરેખ રાખવા માટે યોગ્ય અધિકારીઓની નિમણૂક કરવા પણ હુકમ કર્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, જરૂર પડે તો આ કિસ્સા માટે કોર્ટ મિત્રની નિમણૂક પણ કરવામાં આવશે.