‘લોસમાં ગયેલ ગેસના’ નામે વધારે બિલ આપતી ગુજરાત ગેસ કંપનીને ગ્રાહક કોર્ટની ફટકાર:ગ્રાહકે ચૂકવેલ વધારાના બિલની વ્યાજ સાથે ચુકવણી કરવા ગુજરાત ગેસ કંપનીને આદેશ
મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગ દ્વારા આજરોજ એક અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપેલ છે તેમ કહી શકાય, જેમાં ગુજરાત ગેસ કંપની તેમના ગ્રાહકોને એટલે કે ઘેર-ઘેર, સીરામીક યુનિટોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાં ગેસ પૂરો પાડે છે ત્યારે ગુજરાત ગેસ તરફથી ગ્રાહકોને તેમના ગેસ વપરાશનું બિલ આપવામાં આવે છે. આ બિલમાં વપરાયેલ યુનિટ ઉપરાંત ‘ગેસ લોસમાં’ ગયેલ વધારાના યુનિટનો વપરાશ બતાવી ગ્રાહકોને બિલ આપવામાં આવે છે. ત્યારે આવા એક કિસ્સામાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાને ગેસ લોસના નામે વધારાનું બિલ આપતા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી ગ્રાહક તકરાર કમિશનમાં આ બાબતે કેસ દાખલ કરતા મોરબી ગ્રાહક અદાલતે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ મહત્વપૂર્ણ ચુકાદો આપી ગ્રાહક સાથે થયેલ અન્યાય બાબતે ગુજરાત ગેસ કંપનીને રૂ.૧૦૦૩/- ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. આ સાથે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ દ્વારા આરટીઆઈ કરી ‘લોસના’ નામે ગુજરાત ગેસ કંપનીએ કેટલા ગ્રાહકોને આ રીતે વધારે યુનિટોના બિલ પધરાવવામાં આવ્યા છે તેની વિગતો માંગેલ છે.
ગ્રાહક તકરાર નિવારણ આયોગના કેસની મળતી માહિતી અનુસાર મોરબીની સેવાભાવી સંસ્થા પંચમુખી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગરીબ-નિરાધાર વ્યકિતને મફત ટીફીન પહોંચાડે છે તેના પ્રમુખ પ્રહલાદસિંહ કે.ઝાલાને ગુજરાત ગેસ લી. કંપનીએ ૨૮૯ યુનીટ ગેસ વપરાશના બદલામાં ૩૧૫/૯૯ યુનીટનો વપરાશ બતાવીને રૂા.૧૨,૧૪૭ બીલ આપવામાં આવ્યું હતું. ત્યારે આ અંગે પ્રહલાદસિંહ ઝાલાએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો. આ કેસ ગ્રાહક અદાલતમાં ચાલી જતા ગેસ કંપનીની દલીલ હતી કે ૨૮૯ યુનીટ સાચો પણ બીજો ‘લોસમાં ગયેલ ગેસ’ તે ગ્રાહકને ભરવો પડે એવી દલીલ હતી પરંતુ ગ્રાહક અદાલતે આ દલીલ માન્ય ના રાખતા જે ૨૮૯ યુનીટ દેખાડે છે તે અને ફક્ત તે બીલ ગ્રાહકે ભરવાનું હોય, નહિ કે લોસના નામે બતાવી વધારાનું બિલ. આ રીતે ગ્રાહક અદાલતે રૂા. ૧૦૦૩/ એક હજાર ત્રણ ૯ ટકાના વ્યાજ સાથે અને ૫૦૦ પાંચસો માનસીક ત્રાસ અને ૧૦૦૦ એક હજાર ખર્ચના તા.૧૫/૯/૨૧ થી ચુકવવાનો આદેશ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઘરે ઘરે અને સીરામીક યુનિટોમાં મોટા પ્રમાણમાં નેચરલ ગેસ વપરાય છે. ત્યારે લોસના નામે ગુજરાત ગેસ કંપનીએ કેટલા કેટલા બીલ આપે છે તેની પણ તપાસની માંગણી મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇએ કરેલ છે. આ સાથે કોઇપણ સંસ્થા કે અન્ય કોઈ ગ્રાહકને આ રીતે અન્યાય થતો હોય તો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઇ મહેતા-મો.નં.૯૮૨૫૭ ૯૦૪૧૨ તથા ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ-મો.નં. ૯૩૭૭૪ ૯૯૧૮૫, મંત્રી રામભાઈ મહેતા-મો.નં.૯૯૦૪૭૯૮૦૪૮ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.