હળવદથી બોરડી જવાના રસ્તે બાઈક લઈને જતા ખેત શ્રમિકના બાઈક આડે અચાનક આવેલ ખુંટીયા સાથે બાઈક અથડાતા બાઈક સવારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે ઇજાને કારણે દોઢ મહિનાની લાંબી સારવાર બાદ ખેત શ્રમિકનું મોત નિપજતા હાલ હળવદ પોલીસે અ.મૃત્યુ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ છોટાઉદેપુર જીલ્લાના ડુંગરપુર ગામના વતની હાલ હળવદના ઘનશ્યામગઢ ગામની સીમમાં કેતનભાઇ માવજીભાઇ સંઘાણીની વાડીયે રહેતા ખેત-શ્રમિક હિન્દુભાઇ પરશુભાઇ રાઠવા ઉવ.૩૨ ગત તા.૧૦ ફેબ્રુઆરીના રોજ સાંજના ૬ વાગ્યાના અરસામાં બાઈક રજી.જીજે-૩૪-એમ-૩૪૨૭ લઈને હળવદથી બોરડી ગામ જવાના રસ્તેથી પસાર થતા હોય ત્યારે અચાનક બાઈક આડે ખુંટીયો આવી જતા બાઈક ખુંટીયા સાથે અથડાયું હતું. જે બનાવમાં ખેત-શ્રમિક હિન્દુભાઇને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેઓ સારવારમાં હોય ત્યારે તા.૨૬ માર્ચના બપોરના ૨ વાગ્યાના સુમારે હિન્દુભાઇનું મૃત્યુ નિપજતા સનગર બનાવ અંગે તેમની પત્ની શર્મિષ્ઠાબેન દ્વારા જાહેર કરેલ વિગતો અનુસાર હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.