મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા ૨ દિવસીય ‘ગ્લોબલ ફૂટબોલ પ્રીમિયર લીગ’ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૭ ટીમોએ ભાગ લઇ પુરા જોશ-જુસ્સાથી બાળકોએ ફૂટબોલની રમતમાં અદભુત પ્રદર્શન દેખાડ્યું હતું.
મોરબી:ખેલો ભારતના સ્વપ્નને ધગધગતું રાખતા, પ્રગતિશીલ મોરબીના આંગણે સર્વપ્રથમ વખત ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા ગ્લોબલ ફૂટબોલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગીતામાં સૌરાષ્ટ્રની અલગ અલગ એવી ૧૭ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બાળકોનું અદભૂત પ્રદર્શન જોઈને હર્ષોલ્લાસની લાગણી અનુભવતા ઉપસ્થિત વાલીગણ તેમજ પધારેલ અતિથિઓએ બાળકોનો જુસ્સો, ઉત્સાહ તેમજ ફૂટબોલ રમત પ્રત્યેની એમની સમજ નિહાળી ગર્વિત થયા હતા.
બે દિવસીય ફૂટબોલ પ્રતિયોગિતાના મુખ્ય અતિથિ તરીકે મોરબી જીલ્લા ફૂટબોલ એસોસીએશન પ્રમુખ દેવેનભાઈ રબારી તથા બાળકોને રમત માટેની તમામ પ્રકારની સગવડ આપતા ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટ્રી હાર્દિકભાઈ પાડલીયા તેમજ શ્રીમતી પૂજાબેન પાડલીયા તેમના સાથે જ નેગ્સ અને નેપ્સ, ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ તથા મહર્ષિ ગુરુકુળના પ્રિન્સિપાલ પણ ખાસ હાજર રહ્યા હતા અને આ સમગ્ર સ્પર્ધાને એક અલગ ઉત્સાહ આપ્યો હતો.
આ તકે ન્યૂ એરા સ્કૂલના હાર્દિકભાઈ પાડલીયા દ્વારા જણાવ્યું હતું કે મોરબી શહેરમાં આવી જ અવનવી હરિફાઈનું ભાગીદાર બને અને આગામી આવનાર દિવસોમાં આવી જ રીતે બાળકોને દરેક રમત બાબતે પ્રોત્સાહન મળતું રહે તે માટે ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ સતત પ્રયત્નશીલ રહેશે.