નસીતપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેકટરને પત્ર લખી ગામના ખેત મજુરો અને ગામ લોકોને હિંસક પ્રાણીથી રક્ષણ આપવા સુરક્ષા પૂરી પાડવા માટેની માંગ કરવામાં આવી છે. બે દિવસ પહેલા ગામના યુવક પર હિંસક પ્રાણીએ હુમલો કરતાં રક્ષણ આપવા માટેની માંગ કરાઇ છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના નસીતપર ગામે ડેમી નદીના કાંઠે રહેતા ઈંટોના ભઠ્ઠા માં કરતા યુવાન પર રવિવારની રાત્રે હિંસક પ્રાણીએ હુમલો કર્યો હતો. જેના કારણે યુવાનનાં મોઢાના ભાગે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેને લઇને ટંકારા રેન્જ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા વન્ય પ્રાણીથી સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. તેથી કલેકટરને રજુઆત કરી હિંસક પ્રાણીથી ગામના લોકો તથા ખેત મજૂરોની સુરક્ષા માટે સરક્ષણ આપવા માટેની માંગ નસીતપર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે.