મોરબીમાં મતદાન જાગૃતિને લઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે મામલતદાર કચેરી ખાતે અનોખી રીતે જાગૃતિ ફેંલાવવામાં આવી રહી છે. મામલતદાર કચેરી ખાતે 7-12-8, નામ કમી સહિતના કાગળ ઉપર “મતદાન અવશ્ય કરે”ના સ્ટેમ્પ લગાવી જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દિશા નિર્દેશ હેઠળ મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ રૂપે લોકો અચૂક મતદાન કરે અને લોકોને પ્રેરણા મળી રહે તે માટે લોકસભા ચૂંટણીમાં એક અનોખા અભિગમ સાથે ટંકારા મામલતદાર કચેરી ખાતે મતદાર તા.૦૭ મેના રોજ બિનચૂક મતદાન કરે, ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ તથા ‘મતદાન જરૂર કરીએ’ નો સંદેશ પાઠવતા સ્ટેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે. આ અભિયાનને વેગવંત કરવા માટે 66-ટંકારા વિધાનસભા મતવિસ્તારના મામલતદાર કચેરી એટીવીટી સેન્ટર, ડીસ્પેચ શાખા મારફત રવાના થતી તમામ ટપાલો તથા પત્રો, જમીન ઉતારા જેવા લોકોને આપવામાં આવતા પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ વગેરે દસ્તાવેજોમાં અન્ય જરૂરી સ્ટેમ્પી સાથે મતદાન જાગૃતિ માટેનો સિક્કો પણ લગાવવામાં આવી રહ્યો છે. લોકો સુધી રૂબરૂ પહોંચતા આ વિવિધ કાગળો પર લગાવેલા સ્ટેમ્પ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી મતદાન જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવશે.