કોઈપણ લડાઈ વ્યક્તિગત હોય ત્યાં સુધી વાંધો નહીં પણ એ લડાઈમાં સમાજ દાખલ થાય પછી મામલો ગંભીર બનતો હોય છે. પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું તેના પડઘા હજુ પડી જ રહ્યા છે. અત્યાર સુધી સિક્કાની એક બાજુ એ હતી કે પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોવા મળતો હતો અને તેની ટિકિટ રદ કરવાની માગ થતી હતી, હવે સિક્કાની બીજી બાજુ એ સામે આવી છે કે જેમા પરશોતમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે. જે બાદ હવે મોરબીના મહેન્દ્રનગર ગામમાં રૂપાલાના સમર્થનમાં સભા યોજવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે. રૂપાલાએ વિવાદ બાદ ક્ષત્રિય સમાજની બે – બે વખત માફી માંગી લીધી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજે નમતુ જોખવા તૈયાર નથી. રૂપાલા સામે રાજપૂત સમાજ એકજુથ થઈને વિરોધ પ્રદર્શનો અને ધરણા કરી રહ્યા છે, ત્યારે હવે પાટીદારો બાદ મોરબીનું મહેન્દ્રનગર સમસ્ત પણ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે. પુરુષોતમ રૂપાલાના સમર્થનમાં મોરબીના મહેન્દ્રનગર ગામે સભા યોજાઈ હતી. જેમાં સર્વ સમાજ દ્વારા પરસોતમ રૂપાલાને અને ભાજપને સમર્થન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈને પરસોતમ રૂપાલાને સમર્થન આપ્યું હતું.