મોરબીના બેલા(રંગપર) ગામ નજીક આવેલ લીડસન સીરામીકમાં લોડર ચાલકે પોતાનું લોડર ગફલતભરી રીતે એકદમ રિવર્સ લેતા મૂળ મધ્યપ્રદેશની રહેવાસી શ્રમિક મહિલાને હડફેટે લેતા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા શ્રમિક મહિલાનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ બાદ લોડર ચાલક પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો ત્યારે મૃતક શ્રમિક મહિલાના પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના બાબાઈકાલા (સાલીચૌકા)ના વતની હાલ મોરબી બેલા(રંગપર) ગામ લીડસન સિરામિક કારખાનાની મજુર રૂમમાં રહેતા રામગોપાલ ઉર્ફે લખન કામોદભાઈ ઉવ.૩૨ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં લોડર વાહન રજી. જીજે-૩૬-એસ-૩૪૨૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૦ માર્ચના રોજ સવારના આશરે પાંચ વાગ્યે લોડર વાહનના ચાલકે લીડસન સીરામીક કારખાનામાં પોતાના હવાલાવાળું લોડર પુરઝડપે અને ગફલતભરી રીતે આજુબાજુ જોયા વગર રીવર્સમાં ચલાવી રામગોપાલ ઉર્ફે લખનના પત્ની રામવતીબેન ઉવ.૩૧ને હડફેટે લઇ છાતીનાં ભાગે ગંભીર ઈજા કરી મુત્યુ નીપજાવી પોતાનું ઉપરોક્ત લોડર વાહન સ્થળ પર મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે લોડર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.