મોરબી ખાણ ખનિજ વિભાગ દ્વારા ટંકારા તાલુકામાં આકસ્મિક રોડ ચેકીંગની કામગીરી દરમિયાન ચાર વાહન બિન અધિકૃત રીતે સાદી રેતીના વહન બદલ પકડી કુલ ૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ખાણ ખનિજ વિભાગ ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર ની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવી કણસાગરા તથા મિતેષ ગોજીયા દ્વારા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના આકસ્મિક રોડ ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન વાહન ડમ્પર નં. GJ-10TY-6408, GJ-10TY-4757, GJ-03-BY-9603, GJ-10-TY-0063 વાળા કુલ ચાર વાહન બિન અધિકૃત ખનિજ સાદી રેતીના વાહન પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તમામ ડમ્પર વાહનોને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરી મૂકવામાં આવ્યા છે. તેમજ નિયમ મુજબ દંડનીય રકમ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.