મોરબીમાં પત્નીને માવતરે જવા નહિ દઈ તેમજ સગાવ્હાલાને ત્યાંથી રૂપિયા લઇ આવવાનું કહેતા પતિ દ્વારા પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતા આખરે કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટનામાં દીકરીને મરવા મજબૂર કરનાર જમાઈ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં દીકરીની માતા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબીના મહેન્દ્રનગર પ્રજાપત નળીયાના કારખાનાની બાજુમાં રહેતા વજીબેન ભીખાભાઇ મેપાભાઇ આધરોજીયા (ઉવ.૭૦) એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી એવા પોતાની દીકરીના પતિ અલ્પેશ લાલાભાઇ કુંઢીયા( રહે.મોરબી સેન્ટમેરી સ્કુલ પાસે) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદીની દીકરી સુનિતાબેનના બે વર્ષ પૂર્વે મોરબીના સેન્ટમેરી સ્કૂલ નજીક રહેતા અલ્પેશ સાથે લગ્ન જ્ઞાતિના રીત-રિવાજથી કર્યા હતા ત્યારે બે વર્ષના લગ્ન જીવનમાં એક સંતાન થયું હતું. બે વર્ષમાં દીકરી સુનીતાને પતિ અલ્પેશ દ્વારા માવતરે કે તેમના સગાવ્હાલાને ત્યાં જવા ન દેતો હતો તથા વારંવાર સગાવ્હાલા પાસેથી રૂપિયા લઇ આવવા દબાણ કરતો હોઈ જે બાબતે સુનિતાબેને રૂપિયા લઇ આવવાની તેના પતિને સાફ ના કહી દેતા આરોપીને સારું નહિ લાગતા સુનિતાબેનને ખોટી રીતે હેરાન પરેશાન કરી ટોર્ચર કરી માનસિક શારીરિક ત્રાસ આપતો હોવાથી આખરે બે દિવસ પહેલા તા.૮/૦૪ના રોજ સુનીતાબેને કંટાળી જઈ પોતાના પતિના ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો જે મુજબની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે મરવા મજબૂર કરવાના બનાવમાં આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.