ટંકારા તાલુકાના મીતાણા નજીક ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ મોરબીના એરવાલ્વમાંથી ગામડાઓને પાણી પુરવઠા બોર્ડના ધારા ધોરણથી વધારે પાણી મળી રહે તે માટે અમુક સ્થાનિકો સાથે મળી પીવાના પાણી માટેના ગેરકાયદેસરના કનેક્શનો આપી પીવાના પાણીનો બગાડ કરતા સરકારી કોન્ટ્રાક્ટર હેઠળ નીમેલ સુપરવાઇસર વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૪૩૦ તથા ગુજરાત ધરવપરાશ પાણી પુરવઠા(સંરક્ષણ) અધીનીયમ ૨૦૧૯ તેમજ સાર્વજનીક મિલ્કતોને નુકશાન અટકાવવાનો અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેરના મહાદેવનગરમ રહેતા ગવર્નમેન્ટ એપ્રુવ્ડ કોન્ટ્રાક્ટર દિનેશભાઇ મગનભાઇ કણસાગરાએ ટંકારા પોલીસ મથકમાં મીતાણા હેડવર્ક સેકશન હેઠળ આવતા ગામડામાં પાણી પુરવઠા બોર્ડની કામગીરીનું સુપરવિઝન કરતા આરોપી પરસોતમભાઇ લવજીભાઇ સંઘાણી રહે.હરબટીયાળી તા.ટંકારા વિરુદ્ધ સરકારી એરવાલ્વમાં ગેરકાયદેસર કનેક્શનો આપતા હોય તે મુજબની ફરિયાદ નોંધાવી જાહેર કર્યુ છે કે આરોપી પરષોત્તમભાઈએ મીતાણા ગામ નજીકથી પસાર થતી ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ મોરબી હેઠળ આવતા હિરાપર થી હડાળા તરફ જતી પાણીની લાઈનના એરવાલ્વ નં.૩૦ તથા ૨૭ ઉપરથી ગામડાઓને બોર્ડના ધારા-ધોરણ કરતા વધુ પાણી મળી રહે તે હેતુથી તથા અમુક જગ્યાએ સ્થાનીક લોકો સાથે મળીને ગેરકાયદેસર પીવાના પાણીના કનેક્શન આપી છેવાડાના ગામોમા પાણી ઓછુ મળતુ હોય તે બાબત ફરિયાદીના ધ્યાને આવતા ગત તા.૨૪ ફેબ્રુઆરીના રોજ આ એરવાલ્વમાં આપેલ તમામ ગેરકાયદેસર કનેક્શનો દૂર કરાયા હતા.
ત્યારબાદ ફરીથી આરોપી પરસોતમભાઈ દ્રારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ મોરબી તથા રાજકોટ તરફથી રિપેરીંગ કરવા માટે ઇસ્યુ કરવામાં આવેલ પાઈપ બાબતે કોન્ટ્રાક્ટ એજન્સીને તથા બોર્ડને જાણ કર્યા વગર તે પાઈપના એરવાલ્વ નં.૨૭માં ગામડાઓને બોર્ડના ધારા-ધોરણ કરતા વધુ પાણી મળી રહે અને GWIL બલ્ક લાઈનનો પાણીનો પુરવઠો ઘટે તથા એરવાલ્વમાથી મિતાણા હેડવર્ક્સ ખાતે સંપમા વધુ પાણીની આવક થાય જેથી કરી તેઓને વધુ મહેનત ન કરવી પડે તેવા હેતુથી આરોપી દ્રારા આ પ્રકારનુ ગેરકાયદેસર ક્રુત્ય કરવામા આવેલ હોય જે મુજબની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.