કોલેજના વિદ્યાર્થી સહિતનાએ મતદાન કરવા માટેના શપથ લીધા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે મોરબી જિલ્લામાં ત્રણેય વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ સ્થળો પર મતદાતાઓને મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા મતદાર જાગૃતિના કાર્યક્રમો અંતર્ગત મોરબીમાં OMVVIM કોલેજ અને વાંકાનેરમાં દોશી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજમાં મતદાન જાગૃતિ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ માટે બનાવવામાં આવેલ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં મતદાન જાગૃતિ માટે બનાવવામાં આવેલ ખાસ ગીત તેમજ અન્ય મતદાનનું મહત્વ દર્શાવતી બાબતો રજૂ કરી વિદ્યાર્થીઓને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા.
મતદાન જાગૃતિ માટે બનાવેલ આ ફિલ્મ જોઈ કોલજના વિદ્યાર્થીઓ મતદાન કરવા પ્રતિબદ્ધ બન્યા હતા અને વિદ્યાર્થીઓ સહિત સર્વે ઉપસ્થિતોએ અવશ્ય મતદાન કરવા શપથ પણ લીધા હતા.