મોરબીના મચ્છુ ૩ ડેમમાં રીપેરીંગ સહિતની કામગીરી કરવાની હોવાથી પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણીનો પ્રવાહ હરીપર અને ગુલાબડી વાંઢ વિસ્તારમાંથી વહેતા મીઠાના અગરમાં ઘુસી ગયો હતો. જેથી મીઠાના અગર પાણીમાં ગરક થઈ જતાં અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મચ્છુ ૩ ડેમનો દરવાજો ખોલી પાણી છોડવામાં આવ્યું હતું જે પાણી માળિયા તાલુકાના હરીપર અને ગુલાબડી વાંઢ વિસ્તારના મીઠાના અગરોમાં ઘુસી જતા ૧૦૦ જેટલા મીઠાના અગર પાણીમાં ગરક થયાની માહિતી મળી રહી છે. માળિયા તાલુકામાં મીઠાનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે હરીપર અને ગુલાબડી ગામ પાસે અનેક મીઠાના અગર આવેલા છે. જ્યાં અગરિયાઓના પરિવાર લાંબા સમયથી મીઠું પકવી રહ્યા હતા. જે મીઠાના અગરમાં પાણી ઘુસી જતા અગરિયા પરિવારોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. તંત્રએ આગોતરી જાણ કર્યા વગર જ પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી અગરમાં ઘુસી જતા તંત્રના પાપે અગરિયાઓને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તેમજ તૈયાર મીઠાનો જથ્થો પણ પાણીમાં ગરક થઈ ગયાનું અગરિયાના પરિવારો જણાવી રહ્યા છે.