મૃતક દંપતીના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પુત્ર દ્વારા રાજકોટના બે વ્યાજખોરો સામે ફરિયાદ
ટંકારાના છત્તર ગામે આવેલ પ્રાથમિક શાળા નજીક ચાર દિવસ પૂર્વે રાજકોટ તાલુકાના હડાળા ગામે રહેતા પ્રૌઢ દંપતીએ ઝેરી દવા પી લેતા તેઓ બંનેએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વારા ફરતી દમ તોડ્યો હતો. ત્યારે આપઘાત કરવા પાછળ મૃતક દંપતીના પુત્ર દ્વારા પોતાના માતાપિતાને મરવા મજબુર કરનાર રાજકોટના બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે આ ચકચારી પ્રકરણમાં ટંકારા પોલીસે બંને રાજકોટના વ્યાજખોર સામે મરવા મજબુર કરવાની કલમ તથા ગુજરાત નાણા ધીરધાર પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મૂળ રાજકોટ તાલુકાના હડાળા ગામ હાલ રાજકોટના ૮૦ ફુટ રિંગ રોડ, મટુકી રેસ્ટોરન્ટ ભક્તિ સાનિધ્ય ફ્લેટ નં.બી બ્લોક ૬૦૩માં રહેતા અને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મિલનભાઈ નિલેશભાઈ ખુંટ ઉવ.૨૫ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી અશ્વિનભાઇ રાવતભાઇ મારુ તથા દિવ્યેશ આહીર માધવ ઇલેક્ટ્રોનીક્સ રહે.બન્ને રાજકોટ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૦૬,૫૦૬,૫૦૭ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધો હતો. મિલનભાઈ ખુંટ દ્વારા ફરિયાદમાં જણાવ્યું કે બંને આરોપીઓ ગેરકાયદેસર રીતે નાણા વ્યાજે આપતા હોય જેથી મિલનભાઈના પિતા નિલેશભાઈ કે જેઓને ધંધામાં આર્થિક જરૂરિયાત ઉભી થતા આરોપી અશ્વિનભાઈ પાસેથી રૂ.૪ લાખ અરોપી દિવ્યેશભાઈ પાસેથી રૂ.૫૦ હજાર એમ બંને પાસેથી ત્રણ ટકા લેખે વ્યાજે રૂપિયા લીધા હતા. જેથી આ બંને આરોપીઓ અવાર-નવાર ફોન કરી તથા રૂબરૂ મળી રૂપિયાની તથા વ્યાજની પઠાણી ઉધરાણી કરી ધાક- ધમકી આપી દબાણ કરી માનસિક દુખ ત્રાસ આપતા હોય. ત્યારે સમાજમાં આબરૂ જવાની બીકે મિલનભાઈના પિતા બંને આરોપીઓ સામે ફરિયાદ કરવાનું ટાળતા હોવાની અગાઉ મિલનભાઈને તેમના પિતા દ્વારા વાત કહી હતી. ત્યારે આરોપીઓ દ્વારા કરવામાં આવતી વ્યાજની પઠાણી ઉઘરાણીમાં અસહ્ય માનસિક ત્રાસ આપતા આખરે કંટાળી જઈ ગત તા. ૩૦ એપ્રિલના રોજ મિલનભાઈના માતા-પિતાએ છત્તર ગામની પ્રા.શાળા પાસે પોતાની જાતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોય જે મુજબની ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે મિલનભાઈ ફરિયાદને આધારે બંને વ્યાજખોરની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.