સમગ્ર કાર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ
કારમાં રહેલ રોકડ રકમની ચોરી કરી હળવદના ટીકર ગામે કાર રેઢી મૂકી અજાણ્યો જાણભેદુ ચોર ફરાર
મોરબીના રવાપર રોડ ખાતે આવેલ પ્લેટીનિયમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કોઈ જાણભેદુ દ્વારા રૂ.૩૬ લાખની કિંમતની ઇનોવા કારની ચોરી થઇ હોવાનો બનાવ બનવા પામ્યો હતો, સમગ્ર કાર ચોરીની ઘટના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાગેલ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગયેલ છે. જો કે કાર ચોરી બાબતે ઇનોવા કંપનીના શોરૂમમાં જાણ કરતા તેમના દ્વારા કારનું લોકેશન આપવામાં આવેલ હોય. જેથી મળેલ લોકેશને તપાસ કરતા ઇનોવા કાર હળવદના ટીકર ગામથી રેઢી મળી આવી હતી. ત્યારે ઇનોવા કારમાં રહેલ રોકડા રૂપિયા ૧૨ હજાર ચોરી થઇ ગયા હતા. ત્યારે સમગ્ર બનાવની અત્રેના સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કાર્ય છે. વધુમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ તમામ કારની ચાવીઓ પાર્કિંગમાં રાખવામાં આવતી હોય છે. આ સાથે અજાણ્યો ચોર અન્ય ચાર કારની ચાવીઓ પણ ચોરી કરી લઇ ગયો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર ગત તા.૬/૦૫ ની મોડીરાત્રીના મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પ્લેટીનિયમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલ ઇનોવા કાર રજી. જીજે-૩૬-એએલ-૩૭૧૦ની કોઈ અજાણ્યો બુરખો પહેરીને આવેલ ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયો હોવાની અને બાદમાં આ ઇનોવા કારમાં રહેલ રોકડા ૧૨ હજારની ચોરી કરી કાર હળવદના ટીકર ગામે રેઢી મૂકીને અજાણ્યો ચોર ઈસમ નાસી ગયાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ઇનોવા કારના માલીક દિપકકુમાર ધનજીભાઈ દેત્રોજા ઉવ.૪૪ રહે. રવાપર રોડ સુભાષનગરએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચોર ઈસમ સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી હતી.
ઉપરોક્ત બનેલ બનાવની ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી દીપકભાઈ દેત્રોજા અને તેમના મોટાભાઈ વિજયભાઈ ઉપરોક્ત ઇનોવા કારનો ઉપયોગ કરતા હોય ત્યારે ગત તા. ૦૬/૦૫ ના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ પોતાની ટાઈલ્સની ફેક્ટરીએથી પરત આવી પ્લેટીનિયમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇનોવા કાર પાર્ક કરી તેની ચાવી પાર્કિંગમાં આવેલ ચાવી સ્ટેન્ડમાં રાખી હતી, ત્યારે અજાણ્યો ચોર ઈસમ મોડીરાત્રીના બુરખો પહેરીને આવી ઇનોવા કારની ચાવી મેળવી કાર ચોરી કરીને નાસી ગયો હતો. ત્યારે બીજે દિવસે સવારમાં ઇનોવા કાર પાર્કિંગમાં નહિ મળતા પાર્કિંગમાં લગાવેલ સીસીટીવી ચેક કર્યા હતા જેમાં ઇનોવા કારની ચોરી કરીને અજાણ્યો ચોર ઈસમ જતો જોવામાં આવ્યું હતું. જે બાદ દીપકભાઈ દ્વારા ઇનોવા કારના શોરૂમ ખાતે કાર ચોરી થયાની જાણ કરતા શોરૂમમાંથી કારનું લોકેશન હળવદ તાલુકાના ટીકર ગામનું જણાવતા ગત તા.૦૮/૦૫ ના રોજ રાત્રીના ૧ વાગ્યે ટીકર ગામથી કાર પરત લાવેલ હતા ત્યારે કારમાં રાખેલ રોકડા ૧૨,૦૦૦/- મળેલ ન હોય ત્યારે સમગ્ર ચોરીના બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.