‘જે ધારાસભ્યે તમને ફરિયાદ કરવાનું કીધું તે અને તમે બધા તમારી તૈયારીમાં રહેજો’
મોરબીમાં પાંચ દિવસ પહેલા માથાભારે શખ્સો વિરુદ્ધ મોરબીમાં રહેતા વેપારી યુવકે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી જે બાબતનો ખાર રાખી યુવકના પિતરાઈ ભાઈના મોબાઇલમાં ફોન કરી આરોપી માથાભારે શખ્સે યુવકને કહ્યું કે ‘આ ફરિયાદ કરી છે તે માટે તમને જે ધારાસભ્યએ કહ્યું છે તે અને તમે તમારી તૈયારીમાં રહેજો અને આ માટે તમારે આજીવન ભોગવવું પડશે’ તેમ કહી ગર્ભિત ધમકી આપી હતી. ત્યારે ફોન ઉપર આપેલ ગર્ભિત ધમકીના ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા સાથે વેપારીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી વિરુદ્ધ આઇપીસી ૫૦૪, ૫૦૬ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ ગર્ભિત ધમકી આપતા આરોપી સામે કડક પગલા લેશે કે ભીનું સંકેલી બધું ઠરીઠામ કરી દેશે તે આવનાર સમયમાં જોવું રહ્યું.
મોરબીના સરદાર બાગ પાછળ આવેલ સોમનાથ સોસાયટી શેરી નં ૧ પ્લોટ નં.૨૯માં રહેતા ભાવિનભાઈ ભાઈચંદભાઈ ખંધડીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અમીતભાઈ દેવાભાઈ અવાડીયા રહે. ધર્મસૃષ્ટી સોસાયટી બાયપાસ રોડ મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કરી જણાવ્યું કે
ગઈ તા.૦૯ મે ૨૦૨૪ના રોજ ફરિયાદી ભાવિનભાઈના પિતરાઈ ભાઈ મીહીર પ્રવિણચંદ્ર ખંધડીયાએ આરોપીઓ અમીત દેવાભાઈ અવાડીયા, દેવાભાઈ અવાડીયા, દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી તથા નયન ઉર્ફે નાનુભાઈ રબારી વિરૂધ્ધમાં વ્યાજની પઠાણી ઉઘરાણી તથા જાનથી મારી નાખવાની ધમકી તથા માર મારવા સહિતની ફરિયાદ નોંધાવી હતી. જે બાબતનો ખાર રાખી આરોપી અમીતભાઈ દેવાભાઈ અવાડીયા તેમના મોબાઈલ નંબર ૮૪૬૦૦૧૧૧૧૧માંથી ભાવિનભાઈને ગત તા.૦૯ મે ૨૦૨૪ના રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં ફોન કરી કહેલ કે ‘તમે બહુ ખોટી વસ્તુ કરેલ છે, તમે ફરિયાદમાં મારું નામ લખાવ્યુ હોત તો વાંધો ન હતો પરંતુ મારા પપ્પાનું નામ આવ્યુ છે તો તમે તમારી તૈયારીમાં રહેજો અને તમને જે ધારાસભ્ય /સંસદ સભ્ય જેને ફરિયાદ કરવાનું કીધુ હોય તેને તમે ફોન કરીને કહેજો તમે પણ તમારી તૈયારીમાં રહેજો આપણી બાજી લેવાની ફુલ તૈયારી છે..’ તેમ કહી ગર્ભિત ધમકી આપી હતી. વધુમાં આરોપીએ ફોનમાં જણાવ્યું હતું કે તમારે રેકોર્ડીંગ જેને આપવુ તેને આપજો તમારે આજીવન ભોગવવુ પડશે અને તમારે બીજીવાર પોલીસ ફરિયાદ કરવી હોય તો કરજો અને જ્યાં જવું હોય ત્યાં જજો તેવી ધમકી આપી હતી.
હાલ ભાવિનભાઈએ સમગ્ર ટેલિફોનિક વાતચીતનું કોલ રેકોર્ડીંગ કે જેમાં આરોપી અમિત અવાડીયા તેઓને ધમકીઓ આપે છે તે સહિતના પુરાવા સાથે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.