મોરબીનાં નવા સાદુળકા ગામે ત્રણ મિત્રો પાણીમાં ડૂબ્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. જેમાં મચ્છુ નદીના નહાવા પડેલ 7 મિત્રો પૈકી એક મિત્ર પાણીમાં ડૂબતા તેને બચાવવા જતા અન્ય બે મિત્રોનો પણ પાણીમાં ગરકાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ લોકો ઘરેથી સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું કહી નીકળ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે આવેલ મચ્છુ નદીમાં છ સગીર સહિત અને એક યુવાન નાહવા પડ્યા હતા. જે મિત્રો પૈકી એક મિત્રનો નદીમાં પગ લપસી જતાં પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા અન્ય બે સગીરો પણ પાણીમાં કુદયા હતા. જો કે, કમનસીબે ત્રણેય મિત્રો નદીમાં ડૂબ્યા હતા. જેમાં 20 વર્ષીય પરમાર ચિરાગ તેજાભાઇ, 16 વર્ષીય ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ તથા 17 વર્ષીય ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ ડૂબી ગયા હતા.જયારે અન્ય ચાર મિત્રોનો બચાવ થયો હતો.ત્યારે બનાવ અંગે તરુણોએ મોરબી ફાયર ટીમને જાણ કરવામાં આવતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓએ તેમની શોધખોળ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ મિત્રો ઘરેથી સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું કહી નીકળ્યા હતા.અને આ બનાવ બન્યો હતો. ત્યારે બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી.અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.