હળવદના ઘનશ્યામગઢ ગામે પુત્રને ધમકી આપનારને સમજાવવા ગયેલ માતા અને તેની પુત્રીને વાયર તથા લાકડી વડે માર મારી બંનેના કપડાં ફાડી નાખી જાહેરમાં નિર્લજ હુમલો કરવામાં હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે તળાવની પાળ બાજુ રહેતા લક્ષ્મીબેન રતીલાલ થરેસા ઉવ.૩૭ એ હળવદ પોલીસ મથકમાં આરોપી (૧)જ્યોતીષભાઇ પોપટભાઇ ગોપાણી (૨)શંકરભાઇ પોપટભાઇ ગોપાણી (૩)જયોતીષભાઇના પત્ની રહે ત્રણેય ઘનશ્યામગઢ ગામે તા-હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૦૯ એપ્રિલના રોજ લક્ષ્મીબેનનો પુત્ર ઋત્વીક આરોપી જ્યોતિષભાઈના ઘર પાસેથી પોતાની રીક્ષા લઈને નીકળ્યો ત્યારે આરોપી જ્યોતિષભાઈએ ઋત્વીકને કહ્યું કે ‘ઘર પાસેથી રીક્ષા લઇ નીકળતો નહી, નહી તો જીવતો મારી નાખીશ..’ તેવી ધમકી આપતા જે બાબતે ફરીયાદી લક્ષ્મીબેન પોતાની દીકરી સાથે ગામમાં આવેલ ઇશાભાઈની દુકાને આરોપીને સમજાવવા ગયા હતા. ત્યારે લક્ષ્મીબેને આરોપી જ્યોતિષભાઈને કહેલ કે ‘તમે મારા દિકરાને તમારા ઘર પાસેથી આવવાની કેમ ના પાડો છો?’ તેમ કહી ઠપકો આપતા આરોપી જ્યોતિષભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ લક્ષ્મીબેનને લાઇટના કેબલ વડે આડેધડ માર મારવા લાગ્યા હતા. અને આ દરમિયાન જ્યોતિષભાઈનો ભાઈ લાકડી લઈને આવી લક્ષ્મીબેનને સાથળના ભાગે લાકડી વડે માર મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. ત્યારે બીજીબાજુ આરોપી જ્યોતિષભાઈની પત્નીએ લક્ષ્મીબેન તથા તેની પુત્રીને પકડી રાખી ઝપાઝપી કરી જાહેરમાં લક્ષ્મીબેનના બ્લાઉઝના બન્ને બાય તથા તેમની પુત્રીએ પહેરેલ ડ્રેસની બાય ફાડી નાખી છેડતી કરી હતી. ત્યારે સમગ્ર શર્મનાક ઘટના બાબતે ભોગ બનનાર દ્વારા નોંધાવેલ ફરિયાદના આધારે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.