મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ ૩ ડેમ પણ છલકાતા તેના દરવાજા ખોલાયા હતા ત્યારે ગઈકાલે જૂના સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા બે યુવક અને એક સગીર સહિત ત્રણ લોકો ડૂબ્યા હતા. જેમાંથી કલાકોની જહેમત બાદ બેનાં મૃતદેહ મળી આવ્યા છે.જયારે હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે.
મળતી માહિતી અનુસાર. મોરબીના જૂના સાદુરકા ગામે મચ્છુ નદીમાં સાત મિત્રો નહાવા પડ્યા હતા. જે સાત પૈકી એક યુવક પરમાર ચિરાગ તેજાભાઇનો નદીમાં પગ લપસી જતાં ડૂબવા લાગતા બચાવવા પડેલ અન્ય બે મિત્રો પણ પાણીમાં ગરકાવ થયા હતા.આ છ પૈકી અન્ય ચાર સગીર હેમખેમ બહાર નીકળી ગયા હતા.જયારે પાણીમાં ગરકાવ થયેલ એક યુવક અને બે સગીર સહિત ત્રણની ફાયર ટીમ અને તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી.જેમાં કલાકોની જહેમત બાદ પાણીમાં ગરકાવ થયેલ ત્રણ પૈકી એક સગીર અને એક યુવકના મૃતદેહ મળી આવ્યા છે. જયારે હજુ પાણીમાં ગયેલ એક સગીરની શોધખોળ યથાવત છે. ત્યારે મોરબી અને રાજકોટની ફાયર ટીમ પણ શોધખોળ કરી રહી છે. જેમાં NDRF અને SDRFની ટીમ પણ તંત્ર દ્વારા બોલાવવામાં આવી છે.