મુંબઇના ઘાટકોપરમાં વાવાઝોડામાં ૧૨૦ ફૂટ ઊંચા હોર્ડિંગ તૂટી પડવાની દુર્ઘટના બાદ પણ મોરબીમાં પાલિકા ગંભીર નથી. એક તરફ અનેક હોર્ડિંગ્સ જોખમી હોવા છતાં એડ એજન્સીઓ પાલિકાને ગાંઠતી નથી અને પાલિકા માત્ર નોટિસ પાઠવીને હાથ ખંખેરી રહી છે. ત્યારે હવે બીનકાયદેસર હોર્ડિંગ્સને લઈ મોરબી શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કલેકટર ને પત્ર લખવામાં આવ્યો છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કલેક્ટરને પત્ર લખી જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રસ્તાઓ ઉપર બીનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર આકસ્મિક બનાવો બને તે રીતે હોડીંગ્ઝ લગાવવામાં આવેલ છે. જેના કારણે ભવિષ્યમાં ગંભીર અકસ્માત બને તેવી દહેશત છે. તેમજ હાલમાં મહેન્દ્રનગર વિસ્તારમાં પસાર થયેલ બાઈક ચાલક પર હોડીંગ્ઝ પડતાનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલ છે. તેમજ બાઈક ચાલકને ગંભીર ઈજા થતા તાત્કાલીક સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે. જેથી ભવિષ્યમાં આવા અકસ્માત ન બને તે માટે શનાળા ગામથી ઉમિયા સર્કલ સુધી, ઉમિયા સર્કલથી લીલાપર ગામ સુધી, નવા બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ હાઉસીંગ બોર્ડ સુધી, ત્રાજપર ચોકડીથી લાલપ૨ ગામ સુધી, ત્રાજપર ચોકડીથી પીપળી ગામ સુધી તથા ત્રાજપર ચોકડીથી ધરમપુર-ટીંબડી ગામ સુધી વિસ્તરોમાંથી હોડીંગ્ઝ દુર કરવા વિનંતી કરાઈ છે. તેમજ આ વિસ્તારોમાં જે બીનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર લગાવવામાં આવેલ હોડીંગ્ઝ દુર કરવા તેમજ જે લોકોએ પરવાનગી લીધેલ ન હોય તેવા હોડીંગ્ઝના માલીકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કલેક્ટરને અપીલ કરાઈ છે.