મોરબીમાં લુખ્ખા આવારા તત્વોમાં કાયદાનો કોઈ ડર રહ્યો ન હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ક્યાંકને ક્યાંક પોલીસની ઢીલીનીતિ જવાબદાર હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જેમાં મોરબી શહેરમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલ અગ્રણીએ દારૂના વેચાણ અંગે પોલીસને જાણ કરતા જે બાબતે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા મોડીરાત્રે વ્હોટ્સપ ઉપર કોલ કરી બિલ્ડરને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપતા અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે કહેવાતા લુખ્ખાતત્વો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના શક્તિ પ્લોટ શેરી નં ૧૧ માં પાર્શ્વ હાઇસ્ટસ ફ્લેટ નં-૨૦૧માં રહેતા રુચિરભાઈ અનિલકુમાર કારિયા કે જેઓ વ્યવસાયે બિલ્ડર છે. જેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી જણાવ્યું છે કે ગઈ તા.૧૬/૦૫ના રોજ મોરબીના પરષોત્તમ ચોકમાં વર્ષોથી અમુક લુખ્ખા અને આવારા તત્વો દ્વારા અડ્ડો જમાવી દારૂનું વેચાણ કરે છે તેમ પોલીસમાં કોલ કરી જાણ કરી હતી. ત્યારે પોલીસની ગાડી આવી હતી પરંતુ લુખ્ખાતત્વો સ્થળ ઉપરથી ભાગી ગયા હોય જે બાબતે તેમાંથી કોઈને જાણ થઈ જતાં સામાવાળામાંથી કોઈએ ફરિયાદી રુચિરભાઈના મોબાઈલમાં રાત્રે ૧૨.૪૦વાગ્યે કોલ કરી અજાણ્યા નંબરમાંથી કોલ કરી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ‘મોરબીમાં નહિ રહેવા દઉં ‘ કહી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી જે બાબતે વોટ્સએપ કોલ કરનારના નંબર ટ્રુ-કોલર એપમાં નાખતા તેમાં સંજય ચૌહાણ નામ દેખાડતું હોય જેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.