રૂપિયા આપવાની ના પાડતા નાલાયક દીકરાએ શૂરતા બતાવી માતાપિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં કળયુગી કપાતર કપૂત જે કોઈપણ કામધંધો ન કરતો હોય જેને પોતાની માતા પાસે રૂપિયાની માંગણી કરતા માતાએ નઠારા દીકરાને રૂપિયા આપવાની મનાઈ કરતા એકદમ ઉશ્કેરાઈ માતાને બેફામ અપશબ્દો આપવા લાગેલ ત્યારે પિતાએ અપશબ્દો આપવાની ના પાડતા નાલાયક પુત્ર દ્વારા પિતાને ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર માર્યો હોવાની સમગ્ર ઘટનામાં માતા દ્વારા કપાતર દીકરા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી: લાખો દુઃખ પીડા વેઠી એક માતા સંતાનને જન્મ આપે છે તથા એક પિતા પોતાના સંતાનને પોતાનું નામ આપી આ દુનિયામાં ઓળખ આપે છે. તેમજ માતાપિતા ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પોતાના સંતાનોને ઉછેરતા હોય છે ત્યારે માતાપિતાના આ ઋણને ચૂકવવા કદાચ એક જન્મારો ટૂંકો પડે તેમ કહેવામાં આવ્યું છે પરંતુ અમુક એવા કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે જેમાં સંતાનો પોતાના માતાપિતાનો આદર કરવાનું તો એક તરફ રહ્યું તેને ગાળો આપતા હોય કે માર મારતા હોય છે. ત્યારે આવો જ એક ધૃણાસ્પદ બનાવ મોરબીમાં સામે આવ્યો છે. જેમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા માકઈબેન મેઘાભા મુળુભા જુવા ઉવ.૫૦એ આરોપી પોતાના કપાતર કપૂત અજીત મેઘાભા ગઢવી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પુત્ર દ્વારા તેમને ગાળો આપવાની તથા તેના પતિને ધોકા વડે માર મારી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કપાતર પુત્ર સામે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ઉપરોક્ત સમગ્ર બનાવમાં ફરિયાદી માકઈબેન મેઘાભા મુળુભા જુવા દ્વારા પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલ તા.૧૮/૦૫ ના રાત્રે ૮ વાગ્યા આસપાસ માકઈબેન તથા તેના પતિ તેમજ તેમની દીકરી પોતાના ઘરે હોય ત્યારે આરોપી અજીત ગઢવી ફરીયાદી માકઇબેન પાસે આવી રૂપીયા માંગતા માકઇબેને રૂપીયા આપવાની ના પાડતા આરોપી અજીત ગઢવીએ માકઇબેનને જેમફાવે તેમ ભુંડીગાળો બોલવા લાગેલ જેથી માકઇબેનના પતિ મેઘાભાએ આરોપી અજીતને ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઈ મેઘાભા સાથે જપાજપી કરી ઢીકાપાટુનો મુંઢમાર મારવા લાગ્યો અને ત્યાં પડેલ લાકડાના ધોકા વડે મેઘાભાને પગમા માર મારી ઇજા કરી હતી. ત્યારબાદ માકઇબેન તથા તેના પતિ મેઘાભા અને તેમની દીકરી રંજનબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાનું ફરિયાદમાં જાહેર કર્યું હતું. હાલ મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.