રાજકોટ લોકસભા બેઠકના સાત વિધાનસભા પૈકી ટંકારા સીટ પર સૌથી વધુ મતદાન થયું છે. સૌથી વધુ થયેલું આ મતદાન કોને તારશે અને કોને ડુબાડશે ? તે અંગે મતદાનની ટકાવારીના આધારે ગણતરીઓ મંડાઈ રહી છે. તેથી જ સૌથી ચર્ચાસ્પદ બનેલી રાજકોટ બેઠક ઉપર હારજીતના અંકોડા મેળવવા રાજકીય ખેરખાં ફટફટિયા લઈને ગામો ગામ ફ્રી રહ્યા છે. જો કે હાલ બન્ને પક્ષ જીતના દાવા કરી રહ્યા છે. સાથે ઉમેદવારોને છાને ખૂણે ડર સતાવી રહ્યો છે કે સામાજીક સમિકરણો બંધ બેસતા નહી હોય તો ? આ કારણે ઉમેદવારોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે.
લોકશાહીના મહાપર્વની ખરી ઉજવણી કરવામાં ટંકારાવાસીઓએ વહીવટી તંત્રની અપીલને વધાવી લીધી હોય એમ રાજકોટ બેઠક પર સૌથી વધુ 65.88 ટકા મતદાન ટંકારા વિધાનસભા સીટ પર થયું છે. સવારથી યુવા મતદારોથી લઈ શતાયુ મતદારોની બુથ પર લાંબી લાઈનો જોવા મળી હતી. ગામડાઓની વાત કરીએ તો ગામડામાં ભારે મતદાન થયું છે જેમાં ક્ષત્રિય આદોલનની અસર તળે રોષ વ્યક્ત કરવા માટે મતદાન થયું કે પછી તરફેણ કરવા માટે ? જાતિના આધારે મતદાન થયું છે કે ઉમેદવાર જોઈને ? પુનરાવર્તન માટે મતદાન થયું છે કે પરીવર્તન માટે ? એ તો ઈવીએમમાં સીલ થઈ ગયુ છે પણ રાજકીય પક્ષના કાર્યકરો આંકડાઓ મેળવવા મતદાન બાદ દરોજ ફટફટીયા લઈને ગામડા ખુદી મતદારોનો મિજાજ જાણવા ભારે મથામણ કર્યા બાદ અનુમાન લગાવી રહ્યાં છે કે આ બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થશે કે કેમ ? રાજકોટ શહેરના ઓછા મતદાનથી લિડમા ધટાડો થશે જોકે સૌથી વધુ લીડ 69 રાજકોટ વિધાનસભામાં ભાજપને મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જ્યારે 66 – ટંકારા બેઠક ભુતકાળના તમામ રેકોર્ડ તોડી ભાજપને પહેલી વખત લિડ આપે અને કોગ્રેસના ગઢમાં ગાબડા પાડશે તેવી પરિસ્થિતિ ઉદભવી રહી છે. ભાજપ વિજયના વિશ્ર્વાસ સાથે કાર્યકરો તથા મતદારોનો આભાર માની રહ્યું છે. જ્યારે કોંગ્રેસના કાર્યકરો ગઢમાં ગાબડું પડશે એવું ખોંખારો ખાઈને કહી રહા છે. જ્યારે 67-વાકાનેર માં ભારે રસાકસી અને કોંગ્રેસનું વર્ચસ્વ વધુ લાગી રહ્યું છે. જ્યારે અન્ય બેઠકો રાબેતા મુજબ રહશે એવુ સ્પષ્ટ થઈ રહ્યું છે જે હવે આગામી 4 જુને સ્પષ્ટ થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છની સૌથી ચર્ચાસ્પદ એવી રાજકોટ બેઠક પર 2019 કરતા આ લોકસભા ચૂંટણીમાં 3.83 ટકા મતદાન ઓછું નોધાયું છે. રાજકોટ બેઠકમાં આ વખતે 59.60 ટકા મતદાન થયું છે. રાજકોટ લોકસભા બેઠકના સાત વિધાનસભા વિસ્તારમાં કુલ 21,12,273 મતદાર નોંધાયા છે. જેમાં 10,93,626 પુરુષ મતદાર, 10,18,611 સ્ત્રી મતદાર અને 36 અન્ય મતદાર નોધાયા હતા જેમાંથી 7,04,504 પુરુષ, 5,54,394 સ્ત્રી અને 7 અન્ય મળી કુલ 12,58,905 મતદારએ મતદાન કરી ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં પેક કરી દીધું છે. ત્યારે હવે જોવું રહેશે કે ૪ તારીખના રોજ ઇવીએમમાં કોનું પલડું ભારે નીકળે છે.