માળીયા(મી)ના ચીખલી ગામે લગ્ન પ્રસંગમાં રાસ રમવાના પ્રસંગમાં રસ્તામાં ખુરશી લઈને બેસવા બાબતનો ખાર રાખી બે પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો વધુ બિચક્યો હતો ત્યારે બંને પરિવારના સભ્યો વચ્ચે મારા મારી શરૂ થઇ હતી ત્યારે બંને પક્ષોના લોકોએ તલવાર, ધોકા, પાઇપ, છરી જેવા તીક્ષ્ણ હથિયાર હાથમાં ધારણ કરી એકબીજા ઉપર તૂટી પડ્યા હતા જેમાં બંને પરિવારના મહિલા-પુરુષો સહિતના સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા. સશસ્ત્ર ધીંગાણાની પોલીસને જાણ થતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા. ત્યારે સમગ્ર બનાવ મામલે બંને પરિવારે માળીયા(મી) પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ માળીયા(મી) તાલુકાના ચીખલી ગામે રહેતા નુરાલીભાઇ હાસમભાઇ જામ ઉવ.૫૧ એ આરોપી (૧)અલીમહમંદ અનવર માલાણી (૨)ઇલીયાસ હાજીભાઇ માલાણી (૩)ઇબ્રાહીમ કાદર માલાણી (૪)અનવર હાજી માલાણી (૫)ઇરફાન અકબર માલાણી (૬)મેહબુબ ઇબ્રાહીમ માલાણી (૭)અકબર કાદર માલાણી રહે.બધા નવા પ્લોટમાં, ચીખલી તા.માળીયા મીં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે બે દિવસ પૂર્વે યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફરિયાદી નુરાલીભાઈના કુટુંબી શબ્બીરભાઇએ આરોપીઓને રસ્તા પર ખુરશી રાખવાની ના પાડેલ જે બાબતેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદે મંડળી રચી ધારીયા, કુહાડી, છરી, ધોકા જેવા હથિયારો ધારણ કરી ફરીયાદી નુરાલીભાઈના જામ ફળીયામાં જઇ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના હાથમાં રહેલ હથીયારો વડે ફરીયાદી નુરાલીભાઈ તથા તેમના ભાઈને તથા ભત્રીજાને માથામાં તથા શરીરે તીક્ષણ હથિયારના ઘા મારી ગંભીર ઇજાઓ પહોચાડી તેમજ અન્યને નાની-મોટી ઇજા પહોચાડતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જયારે સામાપક્ષે ચીખલી ગામે રહેતા મહેબુબભાઇ ઇબ્રાહીમભાઇ માલાણી ઉવ.૨૫ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપીઓ શબીર રહેમાનભાઇ જામ, નાજીર રહેમાનભાઇ જામ, રહેમાનભાઇ હાસમભાઇ જામ, નુરાલીભાઇ હાસમભાઇ જામ તથા જુસબભાઇ હાસમભાઇ જામ રહે.બધા ચીખલી તા.માળીયા મીં સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું બે દીવસ પહેલા ગામમાં લગ્ન પ્રસંગમાં અલીમહમદભાઇ અનવરભાઇ ખુરશી પર બેઠા હતાં ત્યારે આરોપીઓએ કહેલ તમે અહી કેમ બેઠા છો તેમ કહી બોલાચાલી કરેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપી શબીર જામ, નાઝીર તથા રહેમાનભાઈએ તલવાર, ધોકા જેવા હથિયારો ધારણ કરી ફરીયાદી મહેબુબભાઈને તથા ભાઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી શબીરે પોતાની પાસે રહેલ તલવાર વડે મહેબુબભાઈને માથામાં ઇજા પહોચાડી આપી તેમજ આરોપી નુરાલીભાઈએ તથા જુસબભાઇએ પાછળથી હાથમાં ધોકા લઈ આવી મહેબુબભાઈને તથા તેના ભાઈઓને ધોકા વતી માર મારી નાની-મોટી ઇજાઓ પહોચાડયાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે સમગ્ર સશસ્ત્ર મારા મારીની આ ઘટનામાં પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ ૧૨ આરોપીઓ સામે આઈપીસીની વિવિધ કલમ તથા જીપી એક્ટ સહિત ગુનો નોંધી આગળની વધી તપાસની તજવીજ હાથ ધરી છે.