ગુજરાતભરમાં આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસે લોકોને આકરા તાપથી બચવવા નવતર અભિગમ દાખવ્યો છે જેમાં અમદાવાદના ઇન્દિરા બ્રિજ ખાતે ચાર રસ્તા ઉપર સામિયાણા બાંધવામાં આવ્યાં છે. ટ્રાફિક જંકશન પર વાહન ચાલકોને ગરમીથી રાહત મળી રહે તે માટેનો નવતર અભિગમ જોવા મળી રહ્યો છે…
અમદાવાદમાં ટ્રાફિક પોલીસે હાલમાં શહેરમાં ચાર જગ્યા ઉપર સામિયાણા બાંધ્યા છે. જેમાં ઇન્દિરા બ્રિજ સર્કલ, કાલુપુર, પ્રહલાદ નગર અને સ્વાગત ચાર રસ્તા પર સામિયાણા બાંધવામાં આવ્યા છે. મહત્વનું છે કે ગરમી દિવસે ને દિવસે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે.
આજે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે વાહનચાલકો જ્યારે સિગ્નલ ઉપર ઉભા રહે અને સૂર્યની સીધી કિરણો માથા પર પડતી હોવાથી હીટ સ્ટોકનું મોટું જોખમ તોળાતું હોય છે. તેથી પોલીસે ચાર રસ્તા પર સામિયાણા બાંધ્યા છે. જેથી વાહન ચાલકોએ ટ્રાફિક પોલીસના આ નવતર અભિગમને આવકાર્યો છે. કારણ કે સખત ગરમી વચ્ચે થોડા અંશે ગરમીથી રાહત સામિયાણાં અપાવી રહ્યા છે.