રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળું જાગેલું તંત્ર હવે કડક કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ ફાયર સેફ્ટી વિહોણી સરકારી કચેરીઓ પ્રત્યે ફાયર વિભાગ આંખ આડા કાન કરતું હોવાનું સામે આવ્યું છે.
હળવદ શહેરમાં સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટી નથી. તો અમુક સરકારી કચેરીઓમાં ફાયર સેફટી હોવા છતાં બોટલ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું સામે આવ્યું છે. તેને રીન્યુ કરાવવા માટે પણ અધિકારીઓ આળસ કરી રહ્યા છે. ત્યારે દરેક સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની સુવિધા કેવી છે. ? ફાયર એક્સટીગ્યુશર બરાબર છે કે નહીં ? તે સહિતની અનેક બાબતો ચકાસવામાં આવે. સરકારી કચેરીઓ સામે પગલાં નહિ લેવાતા તંત્રની બેધારી નીતિથી લોકોમાં આલોચના જોવા મળી રહી છે…
મળતી માહિતી અનુસાર, ટીઆરપી ગેમ ઝોન ની દુર્ઘટના એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. જેના પગલે ગુજરાત હાઇકોર્ટે તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાને શહેરમાં ચાલતા ગેમઝોન, મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, ટ્યુશન ક્લાસીસ, રેસ્ટોરન્ટ, થિયેટર ફૂડ, માર્કેટ સહિતના વસ્તી ગીચતા વાળા સ્થળોએ ચકાસણી કરવાના આદેશ આપ્યા છે. તેમજ તેમની પાસે પરવાનગી અને ફાયર NOC ન હોય તો તેમની સામે ગુનો નોંધવાનો આદેશ કર્યો છે.
ત્યારે ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગ, બેંક, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, સ્કૂલ સહિત 43 થી વધુ એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ ખાનગી એકમો સામે કડક કાર્યવાહી કરતું ફાયર વિભાગ સરકારી ઓફિસોની સામે મિયાઉની મીંદડી બની હોય તેવી રીતે કોઈ કામગીરી કરી રહ્યું નથી. કારણ કે હળવદ મામલતદાર કચેરી ખાતે જન સેવા કેન્દ્ર ખાતે ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા નથી. સરકારી હોસ્પિટલ, સરકારી સ્કૂલ તેમજ હળવદ શિક્ષણ વિભાગની ઓફિસમાં પણ એક્સટીગ્યુશરની બોટલ માત્ર શોભાના ગાંઠીયા સમાન છે. જેને રીન્યુ પણ કરવામાં આવી નથી. ત્યારે હળવદની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીને લઈને તંત્ર બેધ્યાન છે તે પ્રકારના સવાલો ફાયર વિભાગ સામે ઉઠી રહ્યા છે. તે ઉપરાંત તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી, વન વિભાગ કચેરી, પીજીવીસીએલ અન્ય કચેરીઓમાં પણ ફાયર સેફ્ટી જ નથી. તેમ છતાં ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી નહિ કરાતા બેધારી નીતિ ને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને લોકોની જાનની સલામતી માટે સરકારી કચેરીઓ સામે પણ કડક કાર્યવાહિ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે.