મોરબી:ટંકારાના લતીપર રોડ ઉપર સરાયા ગામના બોર્ડ પાસેથી બોલેરો ગાડીમાંથી બિલ કે આધાર વગરના ૧૬૩૦ કિલો એલ્યુમીનયમના વાયરો જેની અંદાજિત કિ.રૂ. ૩.૨૬ લાખ સાથે બે શખ્સોને મોરબી ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચ પોલીસે સીઆરપીસી કલમ હેઠળ શકમંદ મિલકત તરીકે બોલેરો તથા એલ્યુમીનીયમ વાયર સહીત કુલ રૂપિયા ૭.૨૬ લાખનો મુદામાલ કબ્જે કરી પક્ડાયેલ બંને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમના પો.હેડ.કોન્સ. ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાણોતરાને ખાનગીરાહે હકિકત મળેલ કે, ટંકારા લતીપર રોડ સરાયા ગામના પાટીયા પાસે આવેલ સપનેશ્વર મહાદેવના મંદિર સામે રોડ ઉપર બોલેરો ગાડી નં. જીજે-૧૨-બીઝેડ-૬૫૩૮માં ગેરકાયદેસર રીતે બીલ આધાર વગરના એલ્યુમીનીયમના વાયરો ભરેલ છે. જે મળેલ બાતમીને આધારે સ્થળ ઉપર જઈ તપાસ કરતા બે ઇસમોને બોલેરો ગાડીમાં એલ્યુમીનીયમના વાયરો ભરેલ બોલેરો ગાડી સાથે હોય જેથી તેની પાસે બોલેરો ગાડીમાં ભરેલ મુદામાલ વિશે સઘન પૂછતાછ કરતા તેની પાસે કોઈ બિલ કે આધાર પુરાવા ન મળી આવતા પોલીસે આરોપી સિંકદર રહેમતુલ્લાભાઇ મોખા ઉવ-૩૦ રહે.ભુજ નવી રેલ્વે સ્ટેશનની બાજુમાં તા.જી.ભુજ(કચ્છ) તથા મુસ્તફા યુસુફભાઇ અહેમંદભાઇ વઢવાણવાળા ઉવ-૩૬ રહે.રાજકોટ ભગવતીપરા મુંફદર એપાર્ટમેન્ટ પહેલા માળે રૂમ ન.૧૦૧ ની અટકાયત કરી ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે CRPC કલમ ૧૦૨ મુજબ એલ્યુમીનીયમના વાયરો આશરે ૧૬૩૦ કિ.ગ્રા કિ.રૂ.૩,૨૬,૦૦૦/- તથા બોલેરો ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૭,૨૬,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી બંને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.