મોરબીમાં પત્ની સાથેના આડા સંબંધમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી ટ્રાન્પોર્ટના ધંધાર્થીને ત્રણ શખ્સોએ લોખંડની ટામી તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે ભોગ બનનારને છાતીના ભાગે પાંસળીઓમાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડતા સમગ્ર બનાવ બાબતે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મુનનગર ચોકની બાજુમાં ન્યુ ચંદ્રેશનગર શેરી નં.૧ માં આરાધના-૧ના ત્રીજા માળે રહેતા નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ ઉવ.૪૮ એ આરોપી વનરાજભાઈ હુંબલ રહે.મોરબી આરાધના-૦૨ સાતમા માળે ચંન્દ્રેશનગર મુનનગર ચોક તા.જી.મોરબી, હુશેનભાઈ અને જગાભાઈ એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે નરેન્દ્રસિંહની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં અગાઉ કામ કરતો આરોપી વનરાજ હુંબલ ઘરે આવતો જતો હોય તે દરમિયાન નરેન્દ્રસિંહની પત્ની સાથે આડા સંબંધ હોય જેની જાણ થતા નરેન્દ્રસિંહને આરોપી વનરાજ હુંબલ સાથે ઘણીવાર બોલાચાલી તથા ઝઘડો થયો હોય ત્યારે જેનો ખાર રાખી ગત તા.૦૩/૦૬ના રોજ રાત્રે નરેન્દ્રસિંહ પોતાની ફોર વ્હીલ લઈને પંચાસર જતા હોય ત્યારે પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપીંગ સેન્ટર પાસે આરોપી વનરાજ હુંબલે નરેન્દ્રસિંહની કારને રોકી કહેલ કે બે દિવસ પહેલા ફોન ઉપર મને કેમ ધમકાવતો હતો તેમ કહી લોખંડની ટામી વડે હુમલો કરી છાતીમાં એ ઘા માર્યો હતો. તથા અન્ય બીજા બે આરોપી હુસેનભાઇ અને જગાભાઇએ નરેન્દ્રસિંહને ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા હોય ત્યારે નરેન્દ્રસિંહ દ્વારા બુમાબુમ કરતા આજુબાજુના લોકો તથા નરેન્દ્રસિંહનો પુત્ર એમ બધાએ વચ્ચે પડી વધુ મારમાંથી બચાવી લીધા હતા. ત્યારે આરોપીઓએ ધમકી આપતા કહ્યં હતું કે તારી પત્ની સાથે મારે આડા સંબંધ છે આ બાબતે કઈ કહ્યું કે બોલાચાલી કરી છે તો આજે તો બચી ગયો હવે પછી જાનથી મારી નાખીસ એમ કહી ત્રણેય આરોપીઓ જતા રહ્યા હતા.
ઉપરોક્ત બનાવ બાદ નરેન્દ્રસિંહને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં છાતીમાં ત્રણ પાંસળીઓમાં ફ્રેકચર સહિતની ઇજાઓનું જોઈ તપાસી ડોક્ટર દ્વારા જણાવવામાં આવતા નરેન્દ્રસિંહ દ્વારા ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.