મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્રારકા જીલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં એમ કુલ બે ગુનામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા ઇનામી જાહેર થયેલ આરોપીને પૂર્વ બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા જામનગર ખાતેથી ઝડપી લઇ હસ્તગત કરી વાંકાનેર તેમજ દેવભૂમિ દ્વારકા પોલીસને જાણ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઇ ચંદ્રકાંતભાઇ વામજા, હેડ કોન્સ.જયેશભાઇ વાઘેલા તથા કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૧૯૯૯માં તથા દેવભુમિ દ્રારકા જીલ્લાના ભાણવડ પોલીસ મથકમાં વર્ષ ૧૯૯૮માં નોંધાયેલ લૂંટ/ધાડના ગુનાનો નાસતો ફરતો ઈનામી આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ફકરૂ (એમ.પી)વાળો હાલે જામનગર જીલ્લાના કનસુમરા ગામની સીમ રેલ્વે ફાટક પાસે આવેલ ગોકુલધામ સોસાયટી સામે ઝુંપડામાં રહેતો હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા જે હકીકત આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા તપાસ કરતા આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ઉર્ફે કાળીયા ફકરૂભાઇ વાખલા ઉવ.૬૫ રહે.માલ ફળીયા માંડલી બડી તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો મળી આવતા તેને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે તથા દેવભૂમિ દ્વારકાના ભાણવડ પોલીસ મથકમાં આ બાબતે જાણ કરવામાં આવી છે.