રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સુચના કરેલ કે, ગેર કાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા વાંકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ મેસરીયા ચેક પોસ્ટ ખાતે નેશનલ હાઇવે રોડ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે બે ઇસમને પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમ ગઈકાલે વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા મેસરીયા ગામ પાસે આવેલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરતા હોય તે દરમ્યાન એક સફેદ કલરની GJ-03-NB-4708 નંબરની ઇનોવા કારનિકળતા તેને ચેક કરતા ગાડીમાં બે ઇસમો સવાર હોય જે ઇસમો તરૂણભાઇ ધનજીભાઇ ફુલતરીયા (રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી) તથા વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા (રહે.રવાપર ચિત્રકુટ સોસાયટી મોરબી) હોવાનુ જણાવતા બન્ને ઇસમોની ઇનોવા કારની ઝડતી દરમ્યાન નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો ૧૦.૭૬ ગ્રામનો રૂ.૧,૦૭,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ- ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી બન્ને ઇસમોને ધોરણસર અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.