અગાઉ જામનગરમાં સાધના કોલોનીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરીત આવાસ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મોરબીમાં પણ ગુજરાત હાઉસીંગ બોર્ડના ત્રણ માળીયા ક્વાર્ટરની મોટાભાગની બિલ્ડિંગ અને ફ્લેટ જર્જરીત હાલતમાં હોય તેમને તંત્ર દ્વારા મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી.તેમ છતાં રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યા ન હતા.ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાં એક દુર્ઘટના સર્જાવવા પામી છે. જેમાં એક રહેણાંક મકાનનાં છતમાંથી પોપડા પડયા હતા. જો કે, સદનસીબે કોઈને ઇજા પહોંચી નથી.
મળતી માહિતી અનુસાર, મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના અજયભાઈ છગા નામના લોહાણા પરિવારના રહેણાંક મકાનમાં છતમાંથી પોપડા પડયા હોવાની ઘટના સામે આવી છે. જો કે, બનાવ સમયે પરિવારનો કોઈ પણ શખ્સ ત્યાં હાજર ન હોવાથી સદનસીબે પરિવારને કોઈ ઇજા પહોંચી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના શનાળા રોડ પરના હાઉસિંગ બોર્ડમાં ત્રણ માળીયા ક્વાર્ટરના મોટાભાગના ફ્લેટ જર્જરિત હાલતમાં છે. જેને લઇ અગાઉ પાલિકા દ્વારા સ્થાનિકોને મકાન ખાલી કરવા નોટિસ પણ અપાઈ ચુકી છે. તેમ છતાં તેઓ દ્વારા મકાન ખાલી કરવામાં આવી રહ્યા નથી. જેથી જો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો પણ અહીં ઉપસ્થિત થઇ રહ્યા છે..