મહારાજ ફિલ્મનો વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં પણ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ રોષ સાથે મહારાજા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. અને મોરબી કલેકટરને આવેદનપત્ર આપીને યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત તમામ લોકો સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
મળતી માહિતી અનુસાર, બોલીવુડના અભિનેતા આમિરખાનના દીકરા જુનેદખાનની પહેલી ફિલ્મ મહારાજા 14 જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવાની હતી જો કે, ફિલ્મના પોસ્ટર અને સ્ટોરીને લઈને વિવાદ શરૂ થયો હતો. અને મામલો હાઇકોર્ટ સુધી પહોંચતા ફિલ્મને રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ મહારાજા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરી મોરબી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સનાતન ધર્મની આસ્થા પર ફિલ્મ બનાવી તેમજ પુસ્તક લખીને પ્રહાર કરવામાં આવ્યો છે. જેથી મહારાજા પુસ્તક લખનાર સૌરભ શાહ, પુસ્તક પ્રકાશિત કરનાર પ્રકાશન હાઉસ, તેમજ યશરાજ ફિલ્મ અને આમિરખાન તેમજ જુનેદખાન સામે ફરિયાદ કરવાની માંગ કરાઇ છે. આ પુસ્તકમાં હિન્દુ સંતો, ધર્મગુરુ, હિન્દુ ધર્મની બહેનો, સ્ત્રીઓ અને સૌથી વધારે હિન્દુ ધર્મના પરમ આરાધ્યાય એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ધર્મગ્રંથોને ખરાબ ગણવામાં આવ્યા છે. જેથી કરીને આવી ઘટના ભવિષ્યમાં બીજી વખત ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ ફિલ્મને હિટ કરવા માટે માત્રને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઊભો કરવામાં આવે છે. જેથી પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચડવાની પ્રવૃતિ ઉપર બ્રેક લાગશે તેવી માંગ વૈષ્ણવ સમાજના ભક્ત દ્વારા કરવામાં આવી છે.