મોરબી જિલ્લામાં જુના આરટીઓ નજીક બ્રિજ પાસે આવેલ મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને બચાવી આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર તેમજ મોરબી નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી સીટી મામલતદાર અને મોરબી ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર આરટીઓ બ્રિજ પાસે આવેલ મચ્છુ નદીમાં નહાવા પડતા બે વ્યક્તિ ડુબવા લાગ્યા હતા જેની જાણ થતાં તાત્કાલિક મોરબી ફાયરની ટીમ અને આપદા મિત્રોની ટીમ બચાવ માટે દોડી આવી હતી. આ સાથે જ ઘટના સ્થળે સીટી મામલતદાર કચેરીની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. તાત્કાલિક સ્થળ ઉપર પહોંચેલ ફાયરની ટીમ દ્વારા ડુબતી વ્યક્તિને રેસ્ક્યુ બોટ તેમજ રેસ્ક્યુ ક્રાફ્ટ ની મદદથી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ બંને વ્યક્તિઓને સલામત રેસ્ક્યુ કરી સમયસર સારવાર મળી રહે તે માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવામાં આવતા હાલ તે વ્યક્તિ હેમખેમ સલામત છે.