માત્ર ૧૦ વર્ષની ઉંમરે ગીતાજીના ૭૦૦ શ્લોકો પાકા કરનાર હળવદનો ધ્યેય બાપોદરિયા
હળવદના રહેતા શિક્ષક દંપતીએ પોતાના દસ વર્ષના બાળક ધ્યેય બાપોદરિયાને ગીતાજીના 700 શ્લોકો કંઠસ્થ કરાવ્યા છે. નાનપણથી શ્લોકો ગોખવાથી બાળકની સ્મૃતિશક્તિ તેજ બને તે માટે પોતાના બાળકને નાનપણથી ગીતાજીના શ્લોકો પાકા કરવા મટે તૈયાર કર્યો છે.
હળવદના 10 વર્ષના બાળકે ગીતાજીના 700 શ્લોકો કંઠસ્થ કર્યા છે. નાનપણમાં ગીતાજીના શ્લોકો ગોખવાથી સ્મૃતિશક્તિ તેજ બને છે. અને તેમાય ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન પુસ્તક શ્રીમદ્ભ ભગવત ગીતાના શ્લોકો કંઠસ્થ કરવા એ અનોખો અનુભવ થતો હોય છે. ત્યારે મૂળ ખાખરેચી ગામના વતની, વેગડવાવમા શિક્ષક તરીકે નોકરી કરતા અને હાલ વિશ્વાસ સોસાયટી, હળવદમા રહેતા શિક્ષક દંપતિ જયશ્રીબેન અને પંકજભાઈ બાપોદરિયાએ પોતાના પુત્રને ગીતાજીના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકો કંઠસ્થ કરાવ્યા છે. શિક્ષક દંપતીનો પુત્ર ધ્યેય બાપોદરિયા પહેલા ધોરણથી જ નિયમિત ગીતાજીના શ્લોકો પાકા કરતો રહ્યો છે અને આજે ધો. ૪ પૂર્ણ થતા સુધીમા આખી ગીતાજી મોઢે કરી લીધી છે. તાજેતરમાં આ બાપોદરિયા પરિવારે ધ્યેયના જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરી હતી. તે દિવસે આવેલ પ્રેક્ષકોમાંથી ૫૧ લોકોએ ગીતાજીના શ્લોકોમાથી ફલાણા અધ્યાયનો આટલામો શ્લોક બોલો એમ પૂછીને કૌતુક કર્યું હતું. અને ધ્યેય બાપોદરિયાએ તમામ ૫૧ શ્લોકો ઉચ્ચાર શુદ્ધિ સાથે પૂરા શ્લોકોનું મૌખિક પારાયણ કર્યું હતું. ત્યારે ધ્યેયના પિતા પંકજભાઈ બાપોદરિયાએ કહ્યું હતું કે ધ્યેય ના મુખે ગીતાજીના શ્લોક સાંભળીને વિશેષ આનંદ સાથે ગૌરવ ની લાગણી મહેસૂસ થાય છે. જ્યારે માતા જયશ્રી બેને કહ્યું કે દીકરાની સિદ્ધિ એક અવર્ણનિય હરખની હેલી ચઢાવી જાય છે. દરેક બાળકે ગીતાજીના શ્લોકો પાકા કરીને ભગવાનને ગમતા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમજ ધ્યેયે જણાવ્યું હતું કે મને ગીતાજીના ૭૦૦ શ્લોકો પાકા કરવાનો વિચાર પાંડુરંગ દાદાજીના સ્વાધ્યાય કાર્યના બાળ સંસ્કાર કેન્દ્રની પ્રેરણાથી આવ્યો હતો અને ત્યાર બાદ ગીતાજીના શ્લોક કંઠસ્થ કરવાના શરૂ કરાતા આજસુધીમાં 700 ગીતાજીના શ્લોકો મોઢે કંઠસ્થ કર્યા છે તેમ કહ્યું હતું..