હળવદ તાલુકાના રાતાભેર ગામે અગાઉની અદાવતમાં ચાર શખ્સોએ એકસંપ થઈ ગામમાં જ રહેતા પિતા-પુત્ર ઉપર ધોકા, ધારિયા વડે હુમલો કરી બેફામ માર મારવામાં આવ્યો છે. જેમાં પુત્રને માથામાં તથા પિતાને હાથની આંગળીઓમાં ધારિયા વડે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં આરોપી ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાતાભેર ગામે પાણીની ટાંકીની બાજુમાં રહેતા પ્રફુલભાઇ જેશીંગભાઇ જાતે કેરવડીયા ઉવ.૩૭ એ હળવદ પોલીસ મથકમાં આરોપી રાજુભાઇ દિલીપભાઇ ઇંદરીયા, અશ્વિનભાઇ ઓધવજીભાઇ ઇંદરીયા, જેમાભાઇ રૂપાભાઇ ઇંદરીયા તથા જગદિશ ઉર્ફે બહુરૂપી તમામ રહે.રાતાભેર તા. હળવદ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઇકાલ તા. ૨૦ જૂન ૨૦૨૪ના રાત્રીના ૯ વાગ્યે ફરીયાદી પ્રફુલભાઇને તેમના ઘર પાસે આવેલ પાણીની ટાકી આગળ ઉપરોક્ત ચારેય આરોપીઓ તેમની પાસે આવી કહેવા લાગ્યા કે “તુ અને તારા બાપા તમારા જમાઇ સંજયભાઇનુ ઉપરાણુ લઇને અગાઉ કેમ મારી સાથે લપ કરેલી..” તેમ કહી ગાળો બોલતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી રાજુભાઇએ માથામા ધારીયુ મારી ગંભીર ઇજા તથા ફ્રેકચર ઇજા કરી હતી જ્યારે આરોપી અશ્વિનભાઈ, જેમાભાઈ અને જગદીશભાઈએ ફરીયાદીને લાકડાના ધોકા વડે પીઠના ભાગે તથા શરીરે ગડદા પાટુનો માર મારી ઇજા કરી હતી. ત્યારે ફરિયાદીના પિતા જેશીંગભાઇ વચ્ચે પડતા તેઓને આરોપી રાજુભાઈએ ધારીયા વડે બંને હાથની આંગળી ઉપર ફ્રેકચર કરી તથા શરીરે બીજા આરોપીઓએ માર મારી ઇજા કરી હતી. આ સાથે ફરિયાદીના માતા દુધીબેન તથા તેમના પત્ની વનીતાબેન વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ ગડદા પાટુનો માર માર્યો હતો. જે મુજબની ફરિયાદ નોંધાવી હતી. હાલ હળવદ પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.