મોરબી જિલ્લાના સહુપ્રથમ તોળ ખાતે મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક વિશિષ્ટ પુસ્તકાલયનું લોકાર્પણ રાજકોટ લોકસભા સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાના વરદ્-હસ્તે કરવામાં આવ્યું છે. નવી પેઢી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની પ્રેરણા-પરિકલ્પનાથી પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે.
મહાત્મા ગાંધીના મૂલ્યો-વિચારોથી પ્રેરિત, સર્વધર્મ સમભાવ ધરાવતા ક્રાંતિકારી લોકસંત અને લોકસેવક જૈન મુનિશ્રી સંતબાલજીની જન્મભૂમિ ટોળ (તા. ટંકારા, જિ. મોરબી) સ્થિત ગ્રામ પંચાયતની કચેરી ખાતે મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. 26 ઑગસ્ટ 1904ના રોજ ટોળ ખાતે જન્મેલા મુનિશ્રી સંતબાલજીએ ધર્મમય સમાજ રચનારૂપે રાષ્ટ્રવાદ, શિક્ષણ, આરોગ્ય, ગ્રામ સ્વાવલંબન, સ્વરોજગારી, ખેડૂત-ગૌપાલકલક્ષી, ખાદી-ગ્રામોદ્યોગ, મહિલાઓ અને વંચિત સમાજનાં ઉત્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત જગાવી હતી. 26 માર્ચ 1982 ના રોજ મુંબઈ ખાતે નિર્વાણ પામ્યા હતા. ત્યારે મુનિશ્રી સંતબાલજી જન્મસ્થળ ખાતે નવી પેઢીમાં ગૌરવવંતી સંસ્કૃતિ અને સાહિત્યની મહામૂલી વિરાસતથી પરિચિત થાય તેમજ રાષ્ટ્ર ભાવના અને જીવનના મૂલ્યોનું સિચન થાય તેવા આશય સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરણાથી મોરબી જિલ્લામાં સહુપ્રથમ વિશિષ્ટ પુસ્તકાલયનું લોકાર્પણ રાજકોટ લોકસભા સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું છે. ગુજરાતી ભાષા-સાહિત્યના કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ચિંતન, લોકસાહિત્ય જેવાં વિવિધસભર વિષયોનાં 1000 જેટલાં પ્રેરણાદાયી પુસ્તકોનું સુયોગ્ય ચયન કરીને અહીં મૂકવામાં આવ્યા છે. મેઘાણી-સાહિત્ય કોર્નર, ગુજરાતી ભાષા-સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની ઉત્તમ કૃતિઓ તેમજ નવયુવાનો માટે સ્પર્ધાત્મક પુસ્તકો આ પુસ્તકાલયની વિશેષતા છે. જે લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ રાજકોટ લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા (મોરબી), પિનાકી મેઘાણી, ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા અને નિકુંજ પટેલ, ગુજરાત્ત રાજ્યના ગ્રંથાલય નિયામક ડૉ. પંકજભાઈ ગોસ્વામી, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ-ભાવનગર વિભાગ) લલિતભાઈ મોઢ, મોરબી જિલ્લા ગ્રંથપાલ વિમલભાઈ ગોસ્વામી, આર. ડી. પરમાર, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ ડો. વસન્તભાઈ માંડવીયા, ટોળ સરપંચ અબ્દુલભાઈ અલી ગઢવાળા, ઉપસરપંચ સાહિલ બાદી, તલાટી-મંત્રી વિશાલભાઈ શેરસિયા, અગ્રણીઓ મનિષભાઈ ભટ્ટ, કિરીટભાઈ અંદરપા, અમિતભાઈ કાસુંદ્રા, મેપાભાઈ અને ઘેલાભાઈ ફાંગલીયા, રમેશભાઈ અને દર્શન બદ્રેશીયા, વાલજીભાઈ પિત્રોડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતાં. જે સંસ્કૃતિ-સાહિત્ય-સંગીત સમન્વય કાર્યક્રમ અંતર્ગત પરશોત્તમભાઈ રૂપાલા, અભેસિંહ રાઠોડ, ડૉ. પંકજભાઈ ગોસ્વામી અને પિનાકી મેઘાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ગ્રામજનો દ્વારા મહાનુભાવોનું ઉમળકાભેર સ્વાગત અને સામૈયું પણ કરવામાં આવ્યું હતું….