મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી બેલાથી ખોખરાધામ હનુમાનજી જવાના રસ્તે આવેલ ખરાબાની જમીનમાં બાવળની કાંટમાં વેચાણ અર્થે છૂપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૨૦૪ બોટલ સાથે એક આરોપીને ઝડપી લેવાયો હતો. જ્યારે વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો આપી ગયેલ સુરેન્દ્રનગર જીલ્લાના પીપળી ગામના આરોપીનું નામ ખુંલવા પામ્યું હતું. જેથી તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસની ટીમને બાતમી મળેલ કે બેલા ગામ નજીક ખોખરાધામ હનુમાનજી જવાના રસ્તે શાકભાજીનો ધંધાર્થી પોતાની દુકાનની બાજુમાં આવેલ ખરાબાની જમીનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે દરોડો પડતા બાવળની કાંટમાં છૂપાવી રાખેલ વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની કુલ ૨૦૪ બોટલ મળી આવતા આરોપી સાગર દેવજીભાઇ પંચાસરા ઉવ-૨૨ રહે.બેલા તળાવની બાજુમાં તા.જી.મોરબીની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે આરોપી વસંત કાનજીભાઇ વાણીયા રહે.પીપળી ગામ તા.પાટડી જી.સુરેન્દ્રનગર પાસેથી મંગાવ્યો હતો. ત્યારે તેને ફરાર દર્શાવી કુલ વિદેશી દારૂની ૨૦૪ બોટલ કિ.રૂ.૬૬,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ બંને આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.