FSSAI ના નિર્દેશ મુજબ સામાન્ય ચોખામાં ૧:૧૦૦ ના ગુણોત્તરમાં ફોર્ટિફાઈડ ચોખાના દાણા મિશ્રિત કરવામાં આવે છે
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) અનુસાર, તમારા ચોખામાં જોવા મળતા પ્લાસ્ટિક જેવા દાણા ફોર્ટિફાઈડ ચોખા હોઈ શકે છે.
FSSAI ના નિર્દેશ મુજબ ચોખામાં યોગ્ય માત્રામાં સૂક્ષ્મ પોષકતત્વો ઉમેરવામાં આવી રહ્યા છે. આ ચોખાને ફોર્ટિફાઇડ રાઇસ કહેવામાં આવે છે. ફોર્ટિફાઇડ ચોખાના અનાજ ચોખાના પાવડર અને વિટામિન બી 12, ફોલિક એસિડ અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્ત્વોને યોગ્ય માત્રામાં જોડીને બનાવવામાં આવે છે. FSSAI માને છે કે ફોર્ટિફાઇડ ચોખાના એક દાણાને સામાન્ય ચોખાના ૧૦૦ દાણા એટલે કે ૧:૧૦૦ ના ગુણોત્તરમાં મિશ્રિત કરવામાં આવે છે.
ફોર્ટિફાઈડ ચોખા થોડા કડક હોય છે પણ તે પ્લાસ્ટિક નથી. હકીકતમાં, પોષક તત્ત્વો ભેળવ્યા પછી, ફોર્ટિફાઇડ ચોખાનો રંગ અને આકાર થોડો અલગ થઈ જાય છે અને તે પ્લાસ્ટિક જેવો દેખાય છે. આટલું જ નહીં, તેને બનાવ્યા પછી થોડા કઠણ પણ દેખાય છે જેનાથી તમે બોલ પણ બનાવી શકો છો. રાંધેલા ચોખામાં ૮૦ ટકા સ્ટાર્ચ હોય છે અને તેમાં કાર્બોહાઈડ્રેટ્સ અને પોટેશિયમ પણ વધુ હોય છે, જે તેને ચીકણું બનાવે છે.
આ ચોખાને સંગ્રહિત કરવાની અને રાંધવાની પદ્ધતિ પણ સામાન્ય ચોખા જેવી જ છે. અલબત્ત તે અલગ-અલગ દેખાય છે પરંતુ તેમનો સ્વાદ પણ સામાન્ય ભાત જેવો જ હોય છે. ફોર્ટિફાઇડ ચોખાને રોજિંદા આહારમાં સામેલ કરવા જોઈએ જેથી તમને યોગ્ય પોષણ મળે. ધ્યાનમાં રાખો કે આ ચોખામાં વિટામિન બી 12, ફોલિક એસિડ અને આયર્ન જેવા શરીર માટે જરૂરી પોષક તત્વો હોય છે, જે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે જે બાબત ધ્યાનમાં લેવા મોરબી જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.