મોરબી એડિશનલ સેશન્સ કોર્ટમાં વાંકાનેર તાલુકાના કોઠી ગામે છેડતી કર્યા બાદ જીવલેણ હુમલાનો કેસ ચાલી જતા દસ્તાવેજી તથા મૌખિક આધાર પુરાવા તેમજ સરકારી વકીલની ધારદાર દલીલોને આધારે આ કેસના તમામ ૭ આરોપીને ૧૦ વર્ષની કેદ તેમજ જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્તને ૩.૨૦ લાખ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકાના કોઠી ગામે વર્ષ ૨૦૦૪ના સપ્ટેમ્બર માસમાં છેડતી કર્યા અંગે ઠપકો આપ્યાના બનાવ બાદ સાત શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો જે અંગેની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી. જે ફરિયાદમાં ફરિયાદી સતાભાઈ લાખાભાઇ મુંધવા એ ફરિયાદ નોંધાવી હતી કે ગામમાં કુટુંબીને ત્યાં કથાનો પ્રસંગ હોય જેમાં ભાઈઓના પરિવાર સાથે ગયા હતા ત્યારે છત ઉપર ફરિયાદીના ભત્રીજા વહુ સૂતા હોય ત્યારે તેની આરોપી ભગુ નવઘણ સરૈયાએ તેની છેડતી કરતા આરોપીને મહિલા દ્વારા બે ત્રણ લાફા માર્યા હોય ત્યારબાદ તે બાબત પરિવારને ખબર પડતાં આરોપીને આમ ન કરવા સમજાવતા જેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી ફરિયાદીના ઘરે લાકડીઓ લઈ જઈ પરિવાર ઉપર હુમલો કર્યો હતો જેમાં ફરિયાદીના ભત્રીજાને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે મુજબની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડુ સરૈયા, કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા, નાગજી દેવા સરૈયા એમ સાતેય આરોપીઓ સામે છેડતી તથા જીવલેણ હુમલાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ મોરબી એડિશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા મૌખિક પુરાવા ૨૩ તથા દસ્તાવેજી પુરાવા ૬૨ને ધ્યાને લઈ તેમજ સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે સાતેય આરોપીઓને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તથા૧.૨૦ લાખનો દંડ ઉપરાંત ઈજાગ્રસ્તને ૨ લાખ તેમજ આરોપીઓને જે દંડ ફટકાર્યો તે મળી કુલ ૩.૨૦ લાખ વળતર પેટે આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.