દારૂના સપ્લાયર તરીકે ધાંગધ્રાના એક શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે જોન્સનગર શેરી નં ૮ માં દરોડો પાડતા સીએનજી રીક્ષામાં વિદેશી દારૂના વેચાણ કરવા માટે રાખેલ અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી દારૂની ૭૪ બોટલ મળી આવી હતી. આ સાથે રીક્ષા ચાલક તથા તેની સાથેના એમ બંને શખ્સોની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓની સઘન પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો ધાંગધ્રાના બુટલેગર પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા તે આરોપીને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી પોલીસને બાતમી મળી હતી કે મોરબીના જોન્સનગર શેરી નં ૮ માં અક્તર ઉર્ફે અશરફ અને સલીમ સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરી તેનું વેચાણ કરતા હોવાની પૂર્વ બાતમીને આધારે જોન્સનગર શેરી નં ૮ માં રેઇડ કરતા સીએનજી રીક્ષા રજી. જીજે ૩૬ ડબલ્યુ ૧૦૩૪ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી ૭૪ બોટલ કિ.રૂ.૧૪,૦૪૫/- મળી આવી હતી. જેથી પોલીસે સ્થળ ઉપરથી આરોપી અક્તર ઉર્ફે અશરફ અલ્લારખાભાઈ ઓઠા ઉવ.૨૦ રહે.મોરબી ૨ કુળદેવી પાન પાછળ મૂળ ધાંગધ્રા માજી સૈનિક સોસાયટીમાં તથા આરોપી સલીમ ગુલામહુશેનભાઈ ભટ્ટી ઉવ.૪૦ રહે.જોન્સનગર શેરી નં ૮ ની અટકાયત કરી હતી. દરોડા દરમિયાન પકડાયેલ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો સુ.નગર જીલ્લાના ધાંગધ્રા રહેતા આરોપી અસ્લમ માણેક પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા તેને ફરાર દર્શાવી તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની ૭૪ બોટલ, સીએનજી રીક્ષા તથા એક મોબાઇલ સહિત કુલ રૂ. ૧,૧૯,૦૪૫/- નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.