મોરબીના પાનેલી ગામે બે પાડોશી પરિવાર વચ્ચે ઘર સામે કચરો વાળવા તથા માલઢોરનો પોદળો લેવા જેવી નજીવી બાબતે બોલાચાલી બાદ ઝઘડો થતા બંને પરિવાર સામસામે ધોકા, પાઇપ, કુહાડી, કોસ જેવા હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. જેમાં બંને પરિવારના પાંચ મહિલા સહિત ૧૨ સભ્યોને ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. ત્યારે બંને પક્ષોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે કુલ ચાર મહિલા સહિત ૧૨ આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ પક્ષ દ્વારા નોંધાયેલ ફરિયાદ મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં રહેતા ફરિયાદી જીતેન્દ્રભાઇ શાંતિલાલ કંજારીયા ઉવ.૩૦ એ આરોપી સહદેવભાઇ ભાણજીભાઇ કંજારીયા, (૨)ધરમશીભાઇ ભાણજીભાઇ કંજારીયા, (૩)નીમુબેન સહદેવભાઇ ભાણજીભાઇ કંજારીયા, (૪)નીમુબેન ધરમશીભાઇ ભાણજીભાઇ કંજારીયા બધા રહે. ગોપાલ સોસાયટી પાનેલી ગામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપીઓએ ફરિયાદી જીતેન્દ્રભાઈના બા ગૌરીબેન સાથે આરોપી નીમુબેન ધરમશીભાઈ તથા તેના ઘરના બીજા બૈરાઓએ ગઇ તા. ૨૫ જૂન ૨૦૨૪ ના રોજ પોતાના મકાનની પાછળની શેરીમાં પોતાના મકાન સામે કચરો વાળવા તથા પોદળો લેવા માટે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેથી ફરીયાદી જીતેન્દ્રભાઈ તથા તેના પરિવારના સભ્યો આરોપીઓના ઘરે સમજાવવા માટે ગયા હતા જે બાબતે આરોપીઓને સારું નહિ લાગતા તમામ આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરિયાદી તથા તેના પરિવારના સભ્યોને લોખંડના પાઇપ, લાકડીઓ, લોખંડની કુહાડી તથા છુટા પથ્થરના ઘા કરી માથામાં શરીરે મૂઢમાર તથા ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી એક સંપ કરી ગુનો કરવામાં એકબીજાની મદદ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે પાનેલી ગામની ગોપાલ સોસાયટીમાં રહેતા સહદેવભાઇ ભાણજીભાઇ કંજારીયા ઉવ.૩૬ એ કુલ ૮ આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી, જેમાં આરોપીઓ (૧)ગૌરીબેન ઉર્ફે ભુરીબેન શાંતીલાલ, (૨)જીતેન્દ્રભાઇ શાંતીલાલ (૩)વર્ષાબેન શાંતીલાલ, (૪)ગૌતમભાઇ લખમણભાઇ કંજારીયા, (૫)જયેશભાઇ શાંતીલાલ કંજારીયા, (૬)અરવિંદભાઇ લખમણભાઇ કંજારીયા, (૭)શાંતીલાલ ડુંગરભાઇ, (૮)લખમણભાઇ ડુંગરભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપીઓ સહદેવભાઈના ઘરે પોદળો નાખી ગયેલ હોય જેથી સહદેવભાઈના પરિવારના વૈશાલીબેન ગત તા. ૨૫/૦૬ ના રાત્રીના ૯ વાગ્યાની આસપાસ આરોપીઓને કહેવા જતા આરોપીઓને સારું નહિ લાગતા ફરિયાદી સહદેવભાઇના ઘરે હથિયાર ધારણ કરી એક સંપ થઈ ગયા હતા જ્યાં ફરિયાદીને અને ઘરના સભ્યોને અપશબ્દો બોલી લોખંડની કોસ, લાકડાના ધોકા, લોખંડના પાઇપ જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરી બધા સભ્યોને માથામાં શરીરે કપાળના ભાગે આડેધડ ઘા મારવામાં આવ્યા હતા જેમાં તમામને મુંઢ ઈજાઓ તથા માથામાં તથા હાથમાં ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.
હાલ સામસામી ફરિયાદના આધારે તાલુકા પોલીસે કુલ ૧૨ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, ત્યારે તમામ આરોપીઓની અટકાયત કરવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે.