મોરબીના મચ્છુ નદીના પટમાં ગેરકાયદે બાંધકામ અંગે વિવાદ થયા બાદ તંત્ર દોડતું થયું હતું. અને નોટીસ ફટકારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલેકટરે તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગેરકાયદે બાંધકામ સામે આવ્યું હતું અને આ બાંધકામ હટાવવા આદેશ કર્યા હતા. જોકે હજુ વિવાદિત બાંધકામ યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે પાલિકા તંત્રએ ફરી વખત નોટીસ ફટકારી દબાણ દૂર કરવા આદેશ આપ્યો હતો. જેને લઇ BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા દીવાલ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે.
BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મોરબી મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર દબાણ કરતા તંત્ર દ્વારા દબાણને લઇ નોટિસ આપી બે દિવસમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા આદેશ કર્યો હતો. જે નોટીસને લઈ BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા દીવાલ પર રહેલ બીમ તોડવાની કામગીરી ચાલુ કરાઇ છે. નોટિસને પગલે મંદિર દ્વારા બીમ તોડવાની તેમજ માપણીની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની જોગવાઈઓ મુજબ વોટરબોડી લાઈનના કંટ્રોલ લાઈન ૩૦ મીટરમાં કોઈપણ બાંધકામ કરવાનું ના હોય છતાં નદીના પટથી ૩૦ મીટરની અંદર કંટ્રોલ લાઈનમાં ગેરકાયદેસર બાંધકામ BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.