શહેરમાં અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ, વાહન વ્યવહારને અસર વર્તવાની સાથે લોકોને પડતી હાલાકી બાબતે પાલિકાની પ્રી મોનસુન કામગીરી ઉપર સવાલ ઉઠયા.
મોરબી પંથકમાં ગઈકાલે મેઘો જામ્યો હતો ત્યારે મોરબી જીલ્લામાં ગઈકાલ સવારના ૬ વાગ્યાથી આજ તા.૨/૦૭ ના ૮ વાગ્યા સુધીમાં કુલ ૨૯૮મીમી વરસાદ નોંધાયો છે. ત્યારે મોરબીના અનેક રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાવાનું સામે આવ્યું છે તેમજ લોકોના ઘરોમાં તથા દુકાનોમાં પાણી ભરાવવાની ઘટના સામે આવતા પાલિકાની પ્રિ મોનસુન કામગીરી ઉપર પણ સવાલ ઉઠયા છે.
મોરબી ફ્લડ કંટ્રોલ રૂમ પાસેથી વરસાદી આંકડાની મળતી માહિતી અનુસાર ગઈકાલે તા. ૦૧ જુલાઈ સવારના ૬ વાગ્યાથી આજ તા.૦૨ જુલાઈ સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લી ૨૬ કલાકમાં સમગ્ર મોરબી જીલ્લામાં ૨૯૮મીમી વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં મોરબી તાલુકામાં ૧૩૮મીમી, ટંકારા ૭૨મીમી, વાંકાનેર ૧૫મીમી માળીયા(મી) ૦૯મીમી તથા હળવદ તાલુકાના ૬૪મીમી વરસાદ વરસ્યો હતો. હાલ મોરબી જીલ્લામાં પડેલ ધોધમાર વરસાદના પગલે મોરબી સિંચાઇ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીનો મચ્છુ ૩ ૭૦% તથા ધોડધ્રોઈ ડેમ ૭૦% સુધી ભરાઈ ગયો હોવાને કારણે આશરે ૩૦ ગામોને સાવચેત કરી નદીના પટ્ટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.