મોરબીનો સિરામિક ઉદ્યોગ એકલા હાથે ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે જોકે વીતેલા વર્ષમાં ગેસના ભાવોમાં થયેલા સતત વધારાથી ઉધોગને પડતર ખર્ચ વધી જતા સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બન્યું હતું. જો કે, બાદમાં ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવોમાં ૭ રૂપિયાનો ઘટાડો કરતા સિરામિક ઉધોગકારો ખુશખુશાલ થયા હતા. જે બાદ હવે પાછા તેમની માથે ચિંતાના વાદળો ઘેરવાની તૈયારીમાં છે. કારણ કે, ગુજરાત ગેસ કંપનીએ ફરી નેચરલ ગેસમાં ભાવ વધારો ઝીંકયો છે.
મોરબી સિરામિક ઉદ્યોગના ૧૦૦૦ થી વધુ એકમો કાર્યરત છે જેમાં મોટાભાગના એક્મો નેચરલ ગેસનો વપરાશ કરે છે સિરામિક ઉદ્યોગના મુખ્ય ઇંધણ તરીકે નેચરલ ગેસનો વપરાશ કરવામાં આવે છે અને ગેસનો પુરવઠો ગુજરાત ગેસ દ્વારા પૂરો પાડવામાં આવતો હોય છે. ત્યારે હવે નેચરલ ગેસમાં ભાવ વધારો ઝીંકાતા મોરબીમાં સિરામિક ઉધોગને ફટકો પડ્યો છે. નેચરલ ગેસમાં 2 રૂપિયા અને 43 પૈસાનો ભાવવધારો ઝીંકાયો છે. હેઠી ભાવવધારા પહેલા પ્રતી ક્યુબિક મીટર 49 રૂપિયા 36 પૈસામાં મળતો ગેસ હવે 51 રૂપિયા 79 પૈસામાં મળશે. ત્યારે ભાવ વધારાને કારણે સિરામિક ઉદ્યોગ પર કરોડો રૂપિયાનું ભારણ વધ્યું છે. જેથી સીરામીક ઉદ્યોગને હવે એક્ષપોર્ટ માર્કેટમાં ચીન સામે ટકી રહેવુ અઘરું થઇ ગયું છે.