પત્નીને મળવા આવેલ પ્રેમીની પાછળ સ્કોર્પિયો કાર લઈને જઈ પતિ તથા દિયરે છરીના આડેધડ ઘા મારી કરી હત્યા
મોરબી શહેરમાં વધુ એક મર્ડરનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષથી પરિણીતા સાથેના પ્રેમસંબંધમાં પરિણીત પ્રેમી યુવકને અનેકવાર પરિણીતાના પતિ દ્વારા સમજાવેલ બીજીબાજુ પરણિત પ્રેમીને તેની પત્નીએ પણ ઘણીવાર પરિણીતા સાથે પ્રેમસંબંધ પૂરા કરી નાખવા સમજાવ્યો હતો પરંતુ પ્રેમમાં અંધ પરિણીત પ્રેમી કોઈની વાત ગંભીરતાથી ન લેતા આખરે ગઈ તા.૦૬/૭ના રાત્રિએ પ્રેમી યુવક પરિણીતાને તેના ઘેર મળવા ગયો હોવાની પતિ તથા દિયરને જાણ થતાં પ્રેમી યુવકનો સ્કોર્પિયો કારમાં પીછો કરી મોરબીના ખાટકીવાસ નજીક પતિ તથા દિયર દ્વારા છરીના આડેધડ ઘા મારી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધેલ હતો. હાલ પરિણીત પ્રેમીની પત્નીની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના પરષોત્તમ ચોક શેરી નં. ૪ માં રહેતા સલમાબેન તૌફીક ઉર્ફે ભઈલો ઇબ્રાહિમભાઈ ચાનીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશભાઈ કોળી તથા નરેન્દ્ર ઉર્ફે ભૂરો જગદીશભાઈ કોળી બંનેરહે. મોરબી વીસીપરા બિલાલી મસ્જીદ બાજુમાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આજથી ત્રણેક વર્ષથી સલમાબેનના પતિ તોફિકને વીસીપરા બિલાલી મસ્જીદ પાસે રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદિશભાઇ કોળીની પત્ની રિંકલ સાથે પ્રેમસબંધ હોય અને આ રિંકલને અવારનવાર મૃતક તોફિક મળવા જતો હોય જે બાબતની રિંકલના પતિ ધર્મેન્દ્ર ઉર્ફે ધમા સાથે આજથી એકાદ વર્ષ થયા ત્યારે બોલાચાલી થયેલ હતી જે બાબતની બી ડિવીઝન પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરેલ હતી, તેમ છતા તોફિક અવારનવાર રિંકલને મળતો હોય અને રિંકલ પણ તોફિકના ઘરે આવતી જતી હોય ત્યારે ગત તા.૦૬ જુલાઈ ૨૦૨૪ ના રાત્રીના તોફિક તેનું એકટીવા અમારા ઘરે પરીવાર સાથે અમોએ વાળુ પાણી કરી અને રાત્રી ના સાડા અગીયારેક જીજે-૩૬-એએમ-૨૧૪૫ લઈને વીસીપરામાં રિંકલના ઘરે મળવા ગયેલ હોય અને રિંકલના પતિ ધર્મેન્દ્ર ઉર્ફે તથા તેનો ભાઇ નરેન્દ્ર ઉર્ફે ભુરોને જાણ થઇ બંન્ને ભાઈઓ કાળા કલરની સ્કોર્પીઓ કાર લઇને તોફિક પાછળ આવી ખાટકીપરાના નાકા પાસે બંન્ને ભાઇઓએ તોફિકને ઉભો રાખી ઝપાઝપી કરી લાકડી તેમજ છરીના આડેધડ ઘા મારી ઈજા કરી હત્યા નિપજાવેલ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
હાલ મૃતક તોફિક ઉર્ફે ભાઈલો ઇબ્રાહિમભાઈ ચાનીયાનો મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબી કામગીરી પૂર્ણ કરી લાશ મૃતકના પરિવારને સોંપવા સહિતની તજવીજ હાથ ધરી છે. ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે બંને હત્યાના આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.