મોરબી જિલ્લાના પોસ વિસ્તારમાં આવતા રવાપર ગામ પાસેના સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે જો કે, અહીં થોડા સમય પહેલા જ પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા ૪૦ લાખ લીટરના પાણીના સંપ અને ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ હવે પરિસ્થિતિ જ્યાંની ત્યાં જ આવીને ઉભી રહી ગઈ હોય તેવું રહી રહ્યું છે.
મોરબીના રવાપર ગામે ઉમિયા સોસાયટીમાં પાણીના ધાંધિયાથી લોકો ત્રસ્ત થઇ ચુક્યા છે. અહીં પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ થોડા દિવસો પહેલા જ ૪૦ લાખ લીટરના પાણીના સંપ અને ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. અને ૩૦ વર્ષ પાણીની સમસ્યા નહિ રહે તેમ મંત્રી કુંવરજી બાવળિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. જો કે, આ નિવેદન માત્ર પબ્લિસિટી પૂરતું જ સીમિત રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે. લોકાર્પણનાં થોડા જ સમયમાં ફરી પાણીની કિલ્લત થતા સ્થાનિકોએ કોન્ટ્રાકટરનો સમ્પર્ક કર્યો હતો. પરંતુ કોન્ટ્રાકટર પાણી પ્રશ્ને લોકોને ઉદ્ધત જવાબ દેતા સ્થાનિકો આખરે કંટાળી પાણી પુરવઠા બોર્ડ કચેરીએ પહોંચ્યા હતા. જો કે, અહીં પણ કોન્ટ્રાકટરને ઠપકો આપવાની જગ્યાએ પાણી પુરવઠા બોર્ડ એ ગ્રામ પંચાયતને પોતાના ખર્ચે બે માણસ મૂકવા જણાવ્યું હતું. અને રવાપર ગ્રામ પંચાયતને પાણી પ્લાન્ટનું સંચાલન સોંપીને પુરવઠા બોર્ડએ હાથ ખંખેરી લીધા હતા. જ્યારે આ બાબતે પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ મીડિયા સમક્ષ બોલવાનો પણ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. જેને લઈ લોકોમાં પણ અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે.